Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

સરકાર ગેમ ચેન્જર નહીં પણ નેમ ચેન્જર છે : ગુલામ નબી

સંસદમાં ગુલામ નબીના તેજાબી પ્રહારોઃ ૮ મહિનાની બાળકી પર બળાત્કારની ઘટના શરમજનક છે: આવું નવું ભારત કોઇને પણ પસંદ નથી : કોંગી નેતા

અમદાવાદ,તા. ૫, સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ ઉપર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસે મોદી સરકાર ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદે પોતાના સંબોધનમાં પ્રહાર કરતા કહ્યું હતું કે, આ સરકાર ગેમ ચેંજર નહીં બલ્કે મેન ચેંજર છે જે યુપીએ સરકારની યોજનાઓના નામ બદલી બદલીને ક્રેડિટ લઇ રહી છે. આઝાદે તાજેતરમાં જ સામે આવેલી આઠ મહિનાની બાળકી પર બળાત્કારની ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, જો સરકાર આવું ભારત બનાવવા ઇચ્છે છે તો અમને આવું ભારત સ્વીકાર્ય નથી. અમને જુનુ ભારત જોઈએ છીએ. કોંગ્રેસ નેતાએ મોદી સરકારને ૭૦ વર્ષની સૌથી નબળી સરકાર ગણાવીને કહ્યું હતું કે, સરકાર વિપક્ષના નેતાઓના ફોન ટેપ કરાવી રહી છે. સરકારે સમગ્ર વિપક્ષને આતંકવાદી તરીકે ગણાવ્યા છે. ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, ૧૯૮૫ અથવા તો ત્યારબાદ કોંગ્રેસ અને યુપીએના શાસનકાળ દરમિયાન જે કંઇપણ યોજના બની હતી તેમના નામ બદલીને શરૃ કરવામાં આવી છે. દરેક યોજના શરૃ કરતી વેળા કહે છે કે, અમારી સરકાર ગેમ ચેન્જર છે પરંતુ તેઓ કહેવા માંગે છે કે સરકાર ગેમ ચેન્જર નહીં બલ્કે મેન ચેન્જર છે. આઝાદે સ્વચ્છ ભારત, જનધન યોજના, સ્કીલ ઇન્ડિયા સહિતની યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ તમામ યોજનાઓ કોંગ્રેસના શાસનમાં શરૃ થઇ હતી. આ યોજનાઓના નામ બદલી દેવામાં આવ્યા છે. સમગ્ર પાંચ વર્ષ પણ જો મંત્રી મંડળ ઉદ્ઘાટન કરતા રહેશે તો યુપીએની યોજનાઓની ઉદ્ઘાટન કામગીરી પૂર્ણ થશે નહીં. ગુલામ નબીએ કહ્યું હતું કે, આજે બેટી બચાવો, બેટી પઢાવોનું નામ આપવામાં આવે છે. બીજી બાજુ હરિયાણામાં બળાત્કાર વધી રહ્યા છે. પ્રથમ વખત એવું સાંભળવા મળ્યું છે કે, આઠ વર્ષની બાળકી પર બળાત્કાર થયો છે.

(10:03 pm IST)