Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

રશિયામાં થઈ ઇતિહાસની સહુથી ભારે હિમવર્ષા : મૉસ્કોમાં ફેલાઈ બરફની ચાદર : 1નું મોત : 2000 ઝાડનો સોથ વળી ગયો : હજ્જારો ઘરોમાં વીજળી ગુલ

મોસ્કો : રશિયાની રાજધાની મૉસ્કોમાં જબરદસ્ત હિમવર્ષાના કારણે 1 વ્યક્તિનું મોત થયું છે, અને 5 લોકો ઘાયલ થયા છે. મૉસ્કોમાં ગતશનિવારે ઠંડા પવનોની સાથે ભારે બરફવર્ષા થઈ હતી, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. મૉસ્કોના ઈતિહાસમાં અત્યાર સુધીની આ સહુથી ભારે હિમવર્ષા માનવામાં આવી રહી છે.

સોમવારે લગભગ 43 સેન્ટિમીટર બરફ રસ્તા પર જામ થઈ ગયો હતો. આની પહેલા 1957માં લગભગ 38 સેન્ટિમીટર સુધીની બરફવર્ષા થઈ હતી. મૉસ્કોના મેયરે 1 વ્યક્તિનું બરફવર્ષામાં મોત થયું હોવાના સમાચારની જાહેરાત કરી હતી. ભારે હિમવર્ષાના કારણે લગભગ 2000 જેટલા ઝાડ પણ ઉખડી ગયા છે.

ભારે હિમવર્ષાના કારણે અને ઠંડા પવનોને કારણે લગભગ 3000થી વધુ ઘરોમાં વીજળી પણ ગુલ થઈ હતી. હવામાન વિભાગે તાપમાનમાં જોરદાર ઘટાડો થવાની ચેતવણી પણ આપી છે. મૉસ્કોમાં તાપમાન -2 ડિગ્રીથી પણ નીચે જાય તેવી શક્યતા સેવાય રહી છે.

(9:54 pm IST)