Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

બજારમાં કડાકો LTCG ટેક્સના લીધે થયો જ નથી

ફાઈનાન્સ સેક્રેટરી અઢિયાનો આખરે ખુલાસો : વૈશ્વિક બજારમાં જ્યારે ૩.૪ ટકા સુધીનો ઘટાડો થયો છે ત્યારે ભારતીય બજાર પર તેની અસર થાય તે સ્વાભાવિક

નવી દિલ્હી,તા. ૫ : નાણા સેક્રેટરી હસમુખ અઠિયાએ આજે કહ્યું હતું કે, શેરબજારમાં તીવ્ર વેચવાલી અને મંદી માટે વૈશ્વિક પરિબળો જવાબદાર દેખાઈ રહ્યા છે. બજેટમાં જાહેર કરવામાં આવેલા લોંગટર્મ કેપિટલ ગેઇન ટેક્સના કારણે શેરબજારમાં કડાકો બોલાયો નથી. તેમણે કહ્યું હતું કે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર ૧૦ ટકાનો ટેક્સ સબસિડીનો દર છે જે અનલિસ્ટેડ સ્ક્રીપ્ટના વેચાણ ઉપર લાભ સાથે સંબંધિત છે. ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત બજેટ બાદની બેઠકમાં બોલતા તેમણે કહ્યું હતું કે, આ હિલચાલને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇનના કારણે શેરબજારમાં આ કડાકો બોલાયો નથી.

તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક બજારોમાં તીવ્ર મંદી પ્રવર્તી રહી છે. તમામ ઇક્વિટી માર્કેટમાં મજબૂત કનેક્શન આની સાથે રહેલા છે. ઇક્વિટી માર્કેટમાં એમએસસીઆઈ ઇન્ડેક્સમાં ૩.૪ ટકા સુધીનો ગયા સપ્તાહમાં ઘટાડો થયો હતો. ખાસ કરીને ગુરુવાર અને શુક્રવારના દિવસે ઘટાડો થયો હતો. તેમણે ઉમેર્યું હતું કે, જો સમગ્ર વિશ્વના ઇન્ડેક્સમાં ૩.૪ ટકા સુધીનો ઘટાડો થાય છે તો સ્વાભાવિકરીતે ભારતીય શેરબજાર ઉપર પણ તેની અસર થશે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના પરિણામ સ્વરુપે આ કડાકો બોલાયો નથી. બેંચમાર્ક શેર ઇન્ડેક્સ સેંસેક્સ અને નિફ્ટીમાં આજે પણ ઘટાડો થયો હતો. રોકાણકારો દ્વારા હેવી પ્રોફિટ બુકિંગની સ્થિતિ વચ્ચે સતત ત્રીજા સેશનમાં કડાકો બોલાયો હતો. ભારતીય શેરબજારમાં કોઇ અપવાદરુપ નથી. વર્ષ ૨૦૧૮-૧૯ માટેના બજેટમાં ૧૦ ટકા ટેક્સની જાહેરાત એલપીસીજી ઉપર કરી હતી. પહેલી એપ્રિલથી શેરના વેચાણ ઉપર કરવામાં આવેલા એક લાખ રૂપિયાથી વધુના આંકડા પર આ ટેક્સ લાગૂ થશે.

(7:32 pm IST)