Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

બજેટથી ખેડૂતો ખફાઃ સાતમી ફેબ્રુઆરીથી દેશવ્યાપી આંદોલન

કેન્દ્ર સરકારે ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ખેડૂતોને લલચાવવા માટે તેમની આવક વધારવા અને લઘુત્તમ ટેકાના ભાવને ઉત્પાદન ખર્ચથી દોઢ ગણા કરવાની વાત કરી છે, પરંતુ આ બધી વાતો માત્ર કાગળ પર

નવી દિલ્હી તા. ૫ : કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ તાજેતરમાં પોતાના બજેટમાં ખેડૂતો માટે પાકના લઘુતમ ટેકાના મૂલ્ય અંગે કરેલી જાહેરાત ખેડૂત સંગઠનોને ગળે ઊતરી રહી નથી. લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ના ખોટા મૂલ્યાંકનથી નારાજ ખેડૂત સંગઠનોએ સરકારને ચેતવણી આપવા માટે હવે ૭ ફેબ્રુઆરીથી દેશવ્યાપી આંદોલન કરવાની જાહેરાત કરી છે.

બજેટથી નારાજ કિસાન સંગઠનો હવે ૭ ફેબ્રુઆરીથી એક સપ્તાહ સુધી દેશવ્યાપી આંદોલન છેડશે. ખેડૂત સંગઠનોનો આક્ષેપ છે કે કેન્દ્ર સરકારે ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ખેડૂતોને લલચાવવા માટે તેમની આવક વધારવા અને લઘુતમ ટેકાના ભાવને ઉત્પાદન ખર્ચથી દોઢ ગણા કરવાની વાત કરી છે, પરંતુ આ બધી વાતો માત્ર કાગળ પરની છે.

ખેડૂત સંગઠનોની દલીલ છે કે સરકારે ખેતીના ઉત્પાદનખર્ચને નક્કી કરવામાં ખોટી પદ્ઘતિ અપનાવી છે, કારણ કે તે ખેડૂત એટલે કે પરિવારના વડાને બાદ કરીને તેના પરિવારના સભ્યોને અકુશળ મજૂર માને છે જયારે ખેડૂતનો સમગ્ર પરિવાર ખેતી કરે છે એટલા માટે સમગ્ર પરિવારને સ્કિલ્ડ અર્થાત્ કુશળ મજૂર માનવો જોઈએ. ખેતીના ખર્ચને નક્કી કરતી વખતે જમીનના ભાડાને પણ જોડવામાં આવે, કારણ કે ખેડૂતનો એક મોટો વર્ગ ભાડાપટ્ટે જમીન આપીને ખેતી કરાવે છે.

સરકાર ખેડૂતોને સબસિડીના નામે કેટલીક છૂટછાટ તો આપે છે, પરંતુ ખેતીના ખર્ચને નક્કી કરતી વખતે સબસિડી ઘટાડી દે છે, ખેડૂત સંગઠનોની માગણી છે કે એમએસપી નક્કી કરતી વખતે સબસિડીના ખર્ચને ઘટાડે નહીં. પંજાબમાં ખેડૂત સંગઠનોએ ૭ ફેબ્રુઆરીથી રાજયભરમાં બે કલાક રેલ અને રસ્તા રોકો આંદોલન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ૧૯૯ ખેડૂત સંગઠન ૬ ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં એકત્ર થશે અને અઠવાડિયા સુધી ચાલનારાં ધરણાં-દેખાવોની રૂપરેખા નક્કી કરશે.

(4:49 pm IST)