Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

જેલ જવાની અરજી કરી

૨૦ વર્ષ જેલની સજા કાપી, હવે જેલમાં જ રહેવા માંગે છે આ શખ્સ

પિથૌરાગઢ તા. ૫ : પુષ્કર દત્ત ભટ્ટને ૨૦ વર્ષ પહેલા પોતાની પત્ની અને ૨૦ વર્ષની દીકરીની હત્યાના કેસમાં ઉંમરકેદની સજા થઈ હતી. ૨૦ વર્ષ જેલમાં રહ્યા પછી પુષ્કર ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ઉત્ત્।રાખંડના પિથૌરાગઢમાં સ્થિત પોતાના ગામ બસ્તડી પાછો ફર્યો હતો.

અહીં તેણે જે જોયું તેનાથી તે સ્તબ્ધ થઈ ગયો હતો. આખું ગામ ખેદાન-મેદાન થઈ ગયુ હતું અને એક પણ વ્યકિત ત્યાં નહોતી. પુષ્કરને પછીથી જાણ થઈ કે જુલાઈ ૨૦૧૬માં આવેલા પુરમાં આખું ગામ તબાહ થઈ ગયુ હતું.

૫૨ વર્ષીય પુષ્કરે જણાવ્યું કે, તેનું ગામ વેરાન થઈ ગયું છે. આખા ગામમાં તે એકમાત્ર જીવિત વ્યકિત છે. તેણે નિર્ણય કર્યો કે તે પણ આ ગામમાં નહીં રહે. આ સંબંધિત તેણે જિલ્લા પ્રશાસનને અરજી કરી છે કે, તેને ફરીથી ઉધમ સિંહ નગરની સિતારગંજ જેલમાં મોકલી દેવામાં આવે, જયાં તે પાછલા ૨૦ વર્ષથી હતો.

પુષ્કર કહે છે કે, જેલમાં માણસો તો છે, અહીં ગામમાં તો માત્ર ભૂત અને યાદો જ બાકી રહી ગઈ છે. અત્યારે તે ગામમાં ૬ મહિનાથી એકલા રહે છે. તેની અપીલ છે કે, જો જિલ્લા પ્રશાસન મારા ગામને ફરીથી ન વસાવી શકે તો મને પાછો જેલમાં મોકલી આપે. ગામમાં પાણી પણ નથી અને વિજળી પણ નથી. નજીકના જંગલમાંથી પ્રાણીઓ અહીં આવી પહોંચે છે. હું માનસિક રીતે એટલો હેરાન થઈ ગયો છું કે આ ગામમાં રહેવાના સ્થાને જેલમાં રહેવા માંગુ છુ.

જિલ્લા પ્રશાસન સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, પુષ્કરની ફરિયાદ આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવી છે. જયાં સુધી કંઈ આગળ ન વધે ત્યાં સુધી પુષ્કરે ત્યાં જ રહેવું પડશે.

(4:09 pm IST)