Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

૨૦૧૯માં રાહુલ ગાંધી કોંગ્રેસના PM ઉમેદવારઃ UPAમાં રાહુલના નામ પર મતભેદ

સમાજવાદી પાર્ટીએ રાહુલ ગાંધી કરતા અખિલેશ યાદવને યોગ્ય ઉમેદવાર ગણાવ્યા

નવી દિલ્હી તા. ૫ : વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરુ થઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીને આગામી પીએમ તરીકે રજૂ કરીને ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે રાહુલ ગાંધી યોગ્ય ઉમેદવાર છે અને દેશની જનતા રાહુલ ગાંધીને પીએમ તરીકે જોવા ઈચ્છે છે.કોંગ્રેસ પ્રવકતા દ્વારા કરવામાં આવેલા એલાનને NCPએ સમર્થન આપ્યું છે. બીજી તરફ UPAના અન્ય ઘટક દળોમાં અલગ-અલગ અભિપ્રાય જોવા મળી રહ્યો છે. સમાજવાદી પાર્ટીએ રાહુલ ગાંધી કરતાં અખિલેશ યાદવને યોગ્ય ઉમેદવાર ગણાવ્યા છે. તો RJD કોંગ્રેસના નિર્ણય સાથે પુરીરીતે સહેમત નથી જણાઈ રહી. પરંતુ મોદીના વિકલ્પ માટે રાહુલનું સમર્થન કરવાની વાત જણાવી રહી છે.

NCP નેતા તારીક અન્વરે કહ્યું કે, વર્તમાન સમયમાં રાહુલ ગાંધીનો કોઈ વિકલ્પ નથી. રાહુલ ગાંધી પીએમ પદ માટે યોગ્ય ઉમેદવાર છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી અને રાજસ્થાન પેટા ચૂંટણીના પરીણામે સાબિત કરી આપ્યું છે કે, રાહુલ ગાંધીમાં નૈતૃત્વ ક્ષમતા છે. જે રીતે રાહુલ ગાંધી પોતાની રણનીતિથી BJP પરાજીત કરી રહ્યાં છે એ જોતાં સ્પષ્ટ કહી શકાય કે, ૨૦૧૯માં નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધી પીએમ પદ માટે યોગ્ય ઉમેદવાર છે.

સમાજવાદી પાર્ટીના પ્રવકતા રોજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, દેશની જનતા નક્કી કરશે કે મોદીનો વિકલ્પ કોણ છે. કોંગ્રેસ પાર્ટી માત્ર પોતાનો જ પક્ષ રજૂ કરી રહી છે. એ તેમનો અભિપ્રાય હશે. પરંતુ સમાજવાદી પાર્ટી માને છે કે, અખિલેશ યાદવ વધુ યોગ્ય વિકલ્પ બની શકે છે.

ચૌધરીએ કહ્યું કે, 'અખિલેશ ઓબીસી અને ખેડૂતોનું દર્દ સમજે છે માટે અખિલેશ યાદવ પીએમ પદ માટે યોગ્ય ઉમેરવાદ છે.'

(4:09 pm IST)