Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

પાકિસ્તાન વિરૂધ્ધ દેશભરમાં ગુસ્સોઃ J-K વિધાનસભામાં મુર્દાબાદના નારા

પાકિસ્તાન દ્વારા LOC ઉપર સતત ફાયરીંગઃ ટેન્શનઃ ભારતીય સૈન્ય પણ આપી રહી છે જડબાતોડ જવાબ : છપ્પનની છાતી બતાડી પાકિસ્તાનની ખો ભુલાવી દેવા દેશભરમાંથી ઉઠતી માંગઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હંગામોઃ જોરદાર નારેબાજી

જમ્મુ તા. ૫ : સરહદ પર પાકિસ્તાનની ફાયરીંગમાં ૪ જવાનોની શહાદતનો મુદ્દો આજે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પણ જોરશોરથી ઉઠયો. સરહદ પર પાકિસ્તાનની ઉશ્કેરણી ભરી આ કાર્યવાહી અને સતત સીઝફાયર ઉલ્લંઘનના મુદ્દા પર જ્યાં વિપક્ષે સરકારને ઘેરાવાના પ્રયત્નો કર્યા, બીજી બાજુ ભાજપ વિધાયકે સદનમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. પાકની આ નાપાક હરકત વિરૂધ્ધ વિધાનસભામાં દરેકમાં ગુસ્સો જોવા મળ્યો.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પાકિસ્તાની ફાયરીંગ અને નાની મિસાઇલો દ્વારા કરેલા હુમલામાં સેનાના ૨૩ વર્ષના કેપ્ટન કપિલ કુંડું સહિત ૪ સૈનિક શહીદ થઇ ગયા. આ હુમલા અંગે પાક. વિરૂધ્ધ દેશભરમાંથી આક્રોશ જોવા મળ્યો. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી હંસરાજ આહિરે પ્રતિક્રિયા આપીને કહ્યું કે, પાકિસ્તાને તેના માટે માફ કરી શકાશે નહીં. આહિરે કહ્યું કે, પાકિસ્તાનને પાઠ ભણાવામાં આવશે.  બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા સત્ર દરમિયાન ભાજપ વિધાયક રવિન્દ્ર રૈનાએ સદનમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. આ દરમિયાન વિપક્ષે પણ સરહદ પર પાકિસ્તાન તરફથી સતત થઇ રહેલા સીઝ ફાયર ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો.

સૂત્રોનું માનીએ તો ઓપરેશન ઓલઆઉટથી ગિન્નાયેલ પાકિસ્તાન નવી રણનીતિ પર કામ કરી રહ્યું છે. ISI અને પાકિસ્તાની આર્મી પોતાની નવી સ્પેશ્યલ ઓપરેશન ટીમ દ્વારા ભારતીય સુરક્ષાબળોને નિશાન બનાવાની કોશિષ કરી રહ્યું છે. ગુપ્તચર એજન્સીઓના સૂત્રોનું માનીએ તો પાકિસ્તાને સેના માછિલ, ઉરી, તંગધાર, પૂંછ, ભિમ્બર ગલી વગેરે સેકટરોમાં હુમલા કરી શકે છે.

સૂત્રોના મતે પાકિસ્તાન સરહદ પર IED પ્લાન્ટ કરી ભારતીય જવાનોને નુકસાન પહોંચાડવાના પ્લાન પર કામ કરી રહ્યું છે. તેમાં માછિલ, રામપુર, પૂંછ, મેંઢર અને બિમ્બર ગલી પાકિસ્તાનના નિશાના પર છે.

ભિમ્બરગલી વિસ્તાર પાસે જ અંદાજે ૭૭ આંતકી હાજર છે. જેમને પાકિસ્તાન ભારતીય સરહદમાં ઘૂસાડવા માંગે છે. આ સિવાય પણ મેંઢર સેકટરમાં પણ ૪૨ આતંકી હાજર છે. પાકિસ્તાન નૌશેરા સેકટરમાંથી પણ આતંકીઓને ભારતમાં ઘૂસાડવા માંગે છે, જયાં ૨૭ આતંકી તૈનાત છે.

રાજૌરી જિલ્લાના ભિમ્બર ગલી સેકટરમાં પાકિસ્તાન એ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. ભિંબર ગલી સિવાય પાકિસ્તાન એ રાજૌરીના મંજાકોટ સેકટરમાં પણ મોર્ટાર છોડ્યા. પાકિસ્તાન એ સહરદ ઘાત સતત એલઓસી પર હુમલો કર્યો અને એન્ટી ગાઇડેડ મિસાઇલો છોડવાનું શરૂ કરી દીધું.

છેતરપિંડીથી શરૂ કરેલ ગોળીબારીમાં સેનાના કેપ્ટન કપિલ કુંડુ, હવાલદાર રોશલ લાલ, રાયઉલમેન શુભમ સિંહ, અને રાયફલમેન રામ અવતાર શહીદ થયા. આ સિવાય સેનાના બીજા ૨ જવાન ઘાયલ પણ થયા છે જેમની સ્થિતિ નાજુક છે. આપને જણાવી દઇએ કે સેનાના બહાદુર કેપ્ટન કપિલ કુંડુ ૨૩ વર્ષના હતા અને જેમનો ૧૦ ફેબ્રુઆરીના રોજ જન્મદિવસ હતો.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે આ સેકટરમાં થયેલ સીઝફાયરના ઉલ્લંઘનમાં અત્યાર સુધીમાં નવ જવાનો સહિત ૧૭ લોકોના મોત થયા છે અને ૭૦ લોકો ઘાયલ થઇ ચૂકયા છે.

(3:53 pm IST)