Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

બે વ્યસ્કોના લગ્નમાં ત્રીજી વ્યકિત દખલ ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટ

SCએ કેન્દ્રને કહ્યું વ્યસ્ક યુગલોને 'ખાપ' સામે આપો સુરક્ષા

નવી દિલ્હી તા. ૫ : ઓનર કિલિંગ પર પ્રતિબંધ લાગવવાની માંગ સાથેની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે બની બેઠેલી સ્વ સંચાલિત ખાપ પંચાયતો વિરુદ્ઘ આકરી ટિપ્પણી કરી છે. અરજી પર સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ ટિપ્પણી કરતા કહ્યું છે કે જયારે બે વ્યસ્ક લોકો લગ્ન કરે છે તો કોઈ ત્રીજાને તેમાં વચ્ચે બોલવાનો અધિકાર નથી. આ ઉપરાંત ચીફ જસ્ટિસે કહ્યું કે પ્રેમ લગ્ન કરનારા યુગલોને સંપૂર્ણ સુરક્ષા પણ મળવી જોઈએ. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, 'બે વયસ્ક લોકો લગ્ન કરે છે તો, વાલીઓ હોય, સમાજ હોય કે અન્ય કોઈ. કોઈ આમા દખલ કરી શકે નહીં. વ્યકિતગત કે સામૂહિક રીતે કોઈને પણ લગ્નમાં દખલ દેવાનો અધિકાર નથી.' બિન લાભકારી સંગઠન શકિત વાહિનીએ સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને ખાપ પંચાયત જેવી સ્વ-સંચાલિત કોર્ટ પર રોક લગાવવાની માગણી કરી હતી.

શકિત વાહિનીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે મધ્ય યુગની કથિત પરંપરાઓની રક્ષાના નામે પ્રેમી યુગલોની હત્યા કરી શકાય નહીં. ખાપ પંચાયત તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે, 'અમે આ પ્રકારની હત્યાઓના વિરોધમાં છીએ' કોર્ટે કહ્યું કે, 'અમને ખાપ પંચાયતોના અધિકારની ચિંતા નથી. અમને ફકત લગ્ન કરનાર યુગલોની ચિંતા છે. લગ્ન સારા હોય કે ખરાબ, આપણે તેનાથી બહાર રહેવું જોઈએ.'

ટીવી રિપોર્ટ્સ મુજબ અરજી પર સુનાવણી દરમિયાન એક મહિલા વકીલે દિલ્હીમાં અંકિત સકસેનાના અફેરને લઈને હત્યા કરવામાં આવી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું હતું કે આપણે આ મામલાની સુનાવણી નથી કરી રહ્યા આપણે સમગ્ર વિષય પર સુનાવણી કરી રહ્યા છીએ.

(4:48 pm IST)