Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

નાદારીની પ્રક્રિયા શરૂ થવાની હોવાથી ગુજરાત NRE કોકના શેરનું ટ્રેડિંગ BSE - NSE કરશે સસ્પેન્ડ

મુંબઈ : દેવાના બોજા હેઠળ દબાયેલ કંપની ગુજરાત NRE કોકના શેરનું ટ્રેડિંગ 12મી ફેબ્રુઆરીથી NSE અને BSEમાં સસ્પેન્ડ થશે. કંપની વિરૂદ્ધ નાદારીની પ્રક્રિયા શરૂ થવાની હોવાથી આ બાન એક્સચેન્જો દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. આપેલી સમયમર્યાદામાં કંપનીના રીસોલ્યુશન પ્લાનને લેણદારો દ્વારા મંજૂરી ન મળતા ગત મહિનાના કોલકત્તાની NCLTના આદેશ મુજબ કંપનીના લિક્વિડેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

22મી જાન્યુઆરીથી કંપનીના લિક્વિડેશનની કાર્યવાહી શરૂ થઈ છે. NCLTની બેચે સુમિત બિનાનીને કંપનીના રીસોલ્યુશન પ્રોફેશનલ(RP) નિયુકત કર્યા છે. BSEએ 2જી તારીખની એક નોટિસમાં જણાવ્યું કે માર્કેટની ગતિવિધિઓ નડતરરૂપ ન બને તે માટે ગુજરાત NRE કોકના શેરનું ટ્રેડિંગ 12મી ફેબ્રુઆરીથી પ્રતિબંધિત કરવામાં આવશે. SBI, BoB, એક્સિસ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ જેવી અગ્રણી બેંકોનું કુલ 4600 કરોડનું લેણું કંપની પાસે છે.

કંપનીના પ્રમોટર અને પ્રમોટર ગૃપ પાસે 25.36% હિસ્સેદારી છે, જ્યારે સામાન્ય જનતા પાસે 74.64% સ્ટેક છે. એક વર્ષથી વધુના સમય માટે કંપનીની લોન NPL રહેતા નિયમ મુજબ કંપનીના પ્રમોટર નાદારીની પ્રક્રિયામાં ભાગ ન લઈ શકે.

બાવન સપ્તાહના ઉચ્ચતમ સ્તર રૂ.3.25થી શેર 66% સુધી તૂટયો છે. સોમવારે સવારથી જ કંપનીના શેરમાં 5%ની નીચલી સર્કિટ હતી અને રૂ.1.10 અને રૂ.1.12ના ભાવે અનુક્રમે NSE અને BSE પર લોક રહ્યો હતો. બંને એક્સચેન્જો પર 1.50 કરોડથી પણ વધુ સેલિંગ શેર પેન્ડિંગમાં હતા.

(5:34 pm IST)