Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

માલદીવમાં રાજકીય ઘર્ષણ, કોર્ટે ભારત પાસે માગી મદદ

નવી દિલ્હી તા. ૫ : માલદીવમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધમાં રવિવારે સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ વચ્ચે અથડામણની સ્થિતિ પેદા થઇ ગઇ છે. માલદીવમાં મોટા પ્રમાણમાં લોકો રસ્તા પર ઉતરી ગયા છે. સુપ્રીમ કોર્ટે મુશ્કેલીમાં દ્યેરાયેલા રાષ્ટ્રપતિ અબદુલ્લા યામીનને નવ રાજકીય કેદીઓને મુકત કરવા અને અસંતુષ્ટ સાંસદોને ફરી લેવાનો આદેશ આપ્યો છે.

જો કે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના આદેશને માનવાનો ઇન્કાર કરી દીધો છે. સરકારે આ પહેલા પણ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે અસંતુષ્ટોને જરૂર મુકત કરવા જોઇએ કારણ કે તેમની વિરૂદ્ઘ કેસ રાજકીય છે. માલદીવની રાજધાની માલેમાં હજારો લોકો સરકારના વિરોધમાં રસ્તા પર ઉતરી ગયા છે.

રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશને માનવાનો ઇન્કાર કરાતા આર્મીને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. તો બીજી તરફ સરકારે પોલીસ અને સેનાને આદેશ આપ્યો છે કે તે રાષ્ટ્રપતિની ધરપકડ અથવા સરકાર વિરોધી આદેશ માનવાનો ઇન્કાર કરી દે. તો બીજી તરફ માલદિવ સુપ્રીમ કોર્ટે ભારત સહિત લોકત્રાંતિક દેશની મદદ માગી છે. કોર્ટે જણાવ્યું કે દેશમાં કાનૂન તેમજ શાસન બનાવવામાં મદદ કરે.

(11:01 am IST)