Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

કંપનીઓનું ફોકસ વેક્સિન બનાવી સપ્લાય કરવા પર

સીરમ-ભારત બાયોટેક તરફથી સંયુક્ત નિવેદન : કોરોના વેક્સિન બનાવતી બે કંપનીઓ વચ્ચે છેલ્લા ઘણા દિવસથી વિવાદ ચાલતો હતો જેના પર પરદો પાડી દેવાયો

મુંબઈ, તા. : ભારતમાં કોરોના વેક્સિન બનાવનારી સીરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયા અને ભારત બાયોટેક તરફથી મંગળવારના સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. બંને ઇન્સ્ટિટ્યુટે સમગ્ર દેશમાં યોગ્ય રીતે કોરોના વેક્સિન પહોંચાડવાના પ્રયત્નોની વાત કરી છે. સંયુક્ત નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે બંને કંપનીઓના અધિકારી છેલ્લા કેટલાક દિવસથી શાબ્દિક જંગમાં લાગ્યા હતા અને જેના પર દેશમાં ઘણો વિવાદ થઈ રહ્યો હતો.

મંગળવારના બંને કંપનીઓએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું, અદાર પૂનાવાલા અને કૃષ્ણા ઇલ્લાએ દેશમાં કોરોના વેક્સિન બનાવવા, સપ્લાય કરવા અને દુનિયા સુધી પહોંચાડવાને લઈને ચર્ચા કરી. બંને સંસ્થાઓનું માનવું છે કે અત્યારે ભારત અને દુનિયાના લોકોના જીવ બચાવવા મોટું લક્ષ્ય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હવે જ્યારે ભારતમાં બે કોરોના વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી મળી ગઈ છે, ત્યારે અમારું ફોકસ વેક્સિન બનાવવા, તેના સપ્લાય અને વહેંચણી પર છે. અમારી સંસ્થાઓ દેશહિતમાં કામને પહેલાની માફક કરતી રહેશે અને આગળ વધશે.

નિવેદનના અંતમાં કહેવામાં આવ્યું છે કે બંને કંપનીઓ દેશ અને દુનિયાને સાથે વેક્સિન પહોંચાડવાનું પ્રણ લે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી સીરમ ઇન્સ્ટીટ્યૂટના અદાર પૂનાવાલા અને ભારત બાયોટેકના કૃષ્ણા ઇલ્લાની વચ્ચે શાબ્દિક વિવાદ ચાલ્યો હતો. મંગળવાર બપોરના અદાર પૂનાવાલાએ જાણકારી આપી હતી કે જલદી સમગ્ર વિવાદને લઈને એક નિવેદન જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી તો સીરમ ઇન્સ્ટીટ્યુટના અદાર પૂનાવાલાનું નિવેદન આવ્યું, જેમાં તેમણે ફક્ત ઑક્સફર્ડ, મૉર્ડના અને ફાઇઝરની વેક્સિનને સુરક્ષિત ગણાવી અને અન્યને પાણી જેવી ગણાવી. ત્યારબાદ ભારત બાયોટેકના કૃષ્ણા ઇલ્લાએ જવાબ આપતા કહ્યું હતુ કે, અમે અમારું કામ ઈમાનદારીથી કર્યું છે, પરંતુ કોઈ અમારી વેક્સિનને પાણી કહે તો એ બિલકુલ મંજૂરી નથી. અમે પણ વૈજ્ઞાનિક છીએ જેમણે પોતાનું કામ કર્યું છે.

(7:29 pm IST)