Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સીરમ ઇન્સ્ટીટયુટનો દાવો

સરકારને રસી ૨૧૯ થી ૨૯૨ રૂપિયામાં મળશે જયારે બજારમાં ૪૩૮ થી ૫૪૮ રૂપિયામાં મળશે

નવી દિલ્હી, તા.૫: ઓકસફોર્ડ- એસ્ટ્રેજેનેકાની કોરોના રસીને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી પછી દેશમાં રસીનું ઉત્પાદન કરી રહેલ પૂણેની સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા (એસઆઇઆઇ) એ તેની કિંમતનો પણ ખુલાસો કરી દીધો છે. એસઆઇઆઇ અનુસાર સરકારને કોવીશીલ્ડ રસીનો એક ડોઝ ૨૧૯ થી ૨૯૨ રૂપિયામાં મળશે જયારે બજારમાં તેની કિંમત બમણી હશે જેના માટે ૪૩૮ થી ૫૮૪ રૂપિયા ચુકવવા પડશે.

સીરમ ઇન્સ્ટીટયુટ કોવીશીલ્ડ રસીના પાંચ કરોડ ડોઝનું ઉત્પાદન કરી ચૂકી છે. કંપનીના સીઇઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું કે કંપની પહેલા તબક્કામાં ભારત સરકાર અને જી.પ સાથે જોડાયેલ દેશોના બજારમાં કોવીશીલ્ડ રસી વેચવાનું શરૂ કરશે. તેમણે કહ્યું કે અમારો પ્રયાસ બધાને સસ્તા ભાવે સરળતાથી રસી ઉપલબ્ધ કરાવવાનો છે. તેમણે એ પણ ચોખવટ કરી કે ભારત સરકારને આ રસી એટલા માટે સસ્તી પડશે કેમ કે તે મોટા પાયે ખરીદી કરી રહી છે.

પૂનાવાલાએ કહ્યું કે સીરમ ઇન્સ્ટીટયુટ અત્યારે દર મહિને દસ કરોડ ડોઝનું ઉત્પાદન કરી શકે તેમ છે. શકય છે કે એપ્રિલમાં આ ઉત્પાદન ક્ષમતા બમણી થઇ જાય. એસઆઇઆઇ સરકાર સાથે રસીના ઉત્પાદન અને વિતરણ માટે સતત સંપર્કમાં છે. તેમણે કહ્યું કે દવા નિયંત્રક સંસ્થાઓની મંજૂરી મળ્યા પછી અન્ય ઔપચારિકતાઓ પુરી થવામાં સાતથી દસ દિવસનો સમય લાગી શકે છે. ત્યાર પછી સરકારી યોજનાઓ અનુસાર વિતરણ થશે. તેમણે એમ પણ કહ્યું કે પરીક્ષણમાં કોવીશીલ્ડ ૧૦૦ ટકા અસરકારક જણાઇ છે. પરીક્ષણમાં રસી મુકાવ્યા પછી એક પણ વ્યકિતને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી. બે થી ત્રણ મહિનામાં રસીનો બીજો ડોઝ મુકાઇ જવો જરૂરી છે.

(11:20 am IST)