Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

રાજકીય પક્ષો બન્યા માલામાલ

૨૦૨૧માં ભાજપા, કોંગ્રેસ સહિત ૧૯ પક્ષોને મળ્યા ૧૧૦૦ કરોડ

પાંચ રાજ્યોની ચૂંટણીમાં ૫૦૦ કરોડથી વધારે રૂપિયા વાપર્યા

નવી દિલ્હી તા. ૪ : ભારતીય જનતા પાર્ટી (ભાજપા) અને કોંગ્રેસ સહિત ૧૯ રાજકીય પક્ષોએ ૨૦૨૧માં પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન ૧૧૦૦ કરોડ રૂપિયાથી પણ વધારે મેળવ્યા. આ પક્ષોએ ૫૦૦ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ્યા, જેમાંથી એક મોટો હિસ્સો સ્ટાર પ્રચારકો માટે જાહેરાત અને પ્રવાસ ખર્ચમાં ગયા. શુક્રવારે એક અભ્યાસમાં આમ કહેવાયું છે.

આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપાને સૌથી વધારે ૬૧૧.૬૯ કરોડ રૂપિયા મળ્યા અને તેણે ૨૫૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઇલેકશન વોચના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, ભાજપાએ બધુ મળીને જાહેરાતો સહિત પ્રચાર પર ૮૫.૨૬ કરોડ રૂપિયા અને સ્ટાર પ્રચારકો અને અન્ય નેતાઓના પ્રવાસ પર ૬૧.૭૩ કરોડ રૂપિયા વાપર્યા.

કોંગ્રેસને ૧૯૩.૭૭ કરોડ રૂપિયા મળ્યા અને તેણે ૮૫.૬૨ કરોડનો ખર્ચ કર્યો, જેમાં પ્રચારમાં ૩૧.૪૫ કરોડ અને પ્રવાસ ખર્ચના ૨૦.૪૦ કરોડ રૂપિયા સામેલ છે. ત્રીજા નંબર પર રહેલ ડીએમકેને ૧૩૪ કરોડ રૂપિયા મળ્યા. દ્રમુકે પ્રચાર પર ૫૨.૧૪૪ કરોડ અને પ્રવાસ ખર્ચ પર ૨.૪૧ કરોડ રૂપિયા વાપર્યા.

રિપોર્ટમાં કહેવાયું છે કે, ચુંટણી દરમિયાન માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ને કુલ ૭૯.૨૪ કરોડ, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ને ૫૬.૩૨ કરોડ, અન્ના દ્રમુકને ૧૪.૪૬ કરોડ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (ભાકપા)ને ૮.૦૫ કરોડ રૂપિયા મળ્યા. રિપોર્ટમાં કહેવાયું છે 'આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડ્ડુચેરી વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન ૨૦૨૧માં ૧૯ રાજકીય પક્ષો દ્વારા એકત્ર કરાયેલ કુલ રકમ ૧૧૧૬.૮૧ કરોડ રૂપિયા હતી અને તેમણે ૫૧૪.૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.'

(9:58 am IST)