Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

નિર્ભયા કાંડ : દોષિતની દયા અરજી હોમ મિનિસ્ટ્રીને મળી

ટૂંકમાં જ રાષ્ટ્રપતિ સમક્ષ અરજી પહોંચી જશે : નિર્ભયાના અપરાધીઓની પાસે વિકલ્પ નહીંવત રહ્યા છે

નવીદિલ્હી, તા. ૪ : કેન્દ્રીય ગૃહમંત્રાલયમાં નિર્ભયા કાંડના એક ગુનેગારની દયાની અરજી મળી ચુકી છે. ગૃહમંત્રાલય દ્વારા ટૂંક સમયમાં જ આને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે મોકલવામાં આવશે. આ પહેલા દિલ્હી સરકારે દયાની અરજીને ફગાવી દેવાની ભલામણ કરી હતી. જો રાષ્ટ્રપતિ દયાની અરજીને અસ્વિકાર કરી નાંખે છે તો નિર્ભયાના ગુનેગારોને વહેલીતકે ફાંસી ઉપર લટકાવી દેવાનો માર્ગ મોકળો થશે. આ પહેલા દિલ્હી સરકારે નિર્ભયા કાંડના એક દોષિત વિનય શર્માની દયા અરજીને ફગાવી દેવાની ભલામણ કરી હતી. દિલ્હીના ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈને આ સમગ્ર મામલામાં અરવિંદ કેજરીવાલ સરકારની ભલામણ સાથે ફાઇલને ઉપરાજ્યપાલ અનિલ બેજલની પાસે મોકલી દીધી હતી. દિલ્હી સરકારના એલજીને કરવામાં આવેલી ભલામણોમાં કહેવામાં આવ્યું છે કે, દયા અરજીદાર દ્વારા ખુબ જ ક્રૂરરીતે ગંભીર અપરાધ કર્યો હતો. આવી સ્થિતિ અત્યાચારને રોકવા માટે જરૂરી છે કે, કેસમાં દાખલો બેસાડીને  દંડ ફટકારવામાં આવે. દયા અરજી માટે કોઇ આધાર દેખાતા નથી અને આને ફગાવવાની ભલામણ કરવામાં આવી છે.

             નિર્ભયા કેસના ચાર દોષિતો પૈકી એક અક અપરાધી વિનય શર્મા દ્વારા દયાની અરજી કરવામાં આવી છે. તિહાર જેલે કોર્ટને કહ્યું છે કે, મામલામાં ચાર દોષિતો પૈકી એકે ચોથી નવેમ્બરના દિવસે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી મોકલવા અરજી કરી હતી જે સરકાર પાસે મોકલી દેવામાં આવી છે. ડિસેમ્બર ૨૦૧૨માં પેરામેડિકલની વિદ્યાર્થીની પર ચાલતી બસમાં ક્રૂરતાપૂર્વક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો જેના પરિણામ સ્વરુપે આ યુવતીનું થોડાક દિવસ બાદ મોત થયું હતું. આ બનાવના કારણે સમગ્ર દેશ હચમચી ઉઠ્યું હતું.

            આ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. આરોપીઓને પકડી પાડવામાં આવ્યા પછી મુખ્ય આરોપીએ તિહાર જેલમાં આપઘાત કરી લીધો હતો. બાકીના ચાર દોષિતોને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. એક દોષિત કિશોર હતો જેથી કઠોર સજાથી બચી ગયો છે. આજ કારણસર દેશમાં આવી માંગ પણ ઉઠી હતી કે, ગંભીર અપરાધો માટે આ પ્રકારના અપરાધીઓ સામે પણ કઠોર કાર્યવાહી થવી જોઇએ. મોડેથી આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો પરંતુ તે કાયદાની પાછળની તારીખથી નિર્ભયાના અપરાધીઓ ઉપર લાગૂ થઇ શકે તેમ નથી. બીજી બાજુ નિર્ભયાના મામલામાં હવે અપરાધીઓને ફાંસીની સજા કરવા માંગ તીવ્ર બની છે.

નિર્ભયાના અપરાધીને ફાંસી આપવા તૈયાર છે

નવી દિલ્હી, તા.૪ : હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડરની ઘટના બાદથી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન જારી છે ત્યારે આ બનાવથી અગાઉ જલ્લાદ તરીકે રહેલા પવન પણ હચમચી ઉઠ્યો છે. તેના કહેવા મુજબ તે નિર્ભયા કાંડના અપરાધીઓ અને સાથે સાથે હૈદરાબાદ ગેંગરેપના અપરાધીને ફાંસી આપવા માટે તૈયાર છે. ખૂંખાર અપરાધીઓને કઠોર સજા થવી જોઇએ. તેનું કહેવું છે કે, આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે શક્ય તેટલી વહેલીતકે નિર્ભયાના અપરાધીઓને ફાંસી ઉપર લટકાવી દેવાની જરૂર છે. સાથે સાથે આ પ્રકારના ગુનેગારોને વહેલીતકે પકડીને કઠોર સજા કરવી જોઇએ. તેનું કહેવું છે કે, ભારતમાં નિર્ભયા અને હૈદરાબાદ કાંડ પોતે જ અપરાધીઓને કઠોર સજા કરાશે તો બંધ થઇ જશે. મેરઠમાં રહેતા પરંપરાગત જલ્લાદ પવને કહ્યું છે કે, તે હૈદરાબાદ અને નિર્ભયા કાંડના બનાવોથી આઘાતમાં છે જ્યારે પણ જરૂર પડશે ત્યારે તે ફાંસી આપવા માટે પહોંચશે. તેનું કહેવું છે કે, નિર્ભયાના અપરાધીઓને ડેથવોરંટ મળવાની રાહ જુએ છે.

 

(7:52 pm IST)