Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને સાથે હાથ મિલાવી ન શકનાર માસુમ બાળકીના ઘરે જઇને તસવીરો ખેંચાવીઃ સરળ સ્વભાવના વખાણ

નવી દિલ્હી: અબુધાબીના ક્રાઉન પ્રિન્સ  શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે હાથ મિલાવી ન શકનાર માસૂમ બળકીને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે પ્રિન્સ પોતે તેના ઘરે પહોંચી જશે. પ્રિન્સે છોકરીના ઘરે જઈને તેની સાથે મુલાકાત કરી અને તેની સાથે તસવીરો પણ ખેંચાવી. સોશિયલ મીડિયા પર અલ નાહયાનના સરળ સ્વાભાવના ખુબ વખાણ થઈ રહ્યા છે.

નાનકડી બાળકી આયેશા મોહમ્મદ માશીત અલ અઝરોઈએ સાઉદી અરબના નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝના અધિકૃત સ્વાગત દરમિયાન શેખ મોહમ્મદ બિન ઝાયેદને શુભેચ્છા પાઠવવા માટે પોતાનો હાથ આગળ વધાર્યો હતો. પરંતુ ક્રાઉન પ્રિન્સ તેની સાથે હાથ મિલાવવાનું ચૂકી ગયાં અને આ પળ કેમેરામાં કેદ થઈ ગઈ.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો અને માસૂમ બાળકી માટે પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. આ ઘટના બાદ શેખ મોહમ્મદ બિન ઝાયેદનો કથિત રીતે એક વીડિયો પણ સામે આવ્યો જેમાં તે મઝરોઈ પરિવાર સાથે મુલાકાત કરતા જોવા મળ્યાં.

કહેવાય છે કે પોતાની આ ભૂલનો અહેસાસ થતા જ પ્રિન્સ મોહમ્મદ ખાસ માસૂમ બાળકી આયેશાને મળવા માટે તેના ઘરે પહોંચ્યા હતાં. તેમણે બાળકીના પરિજનો સાથે પણ સારો એવો સમય પસાર કર્યો હતો. તેમના સ્વાગતભાવના ખુબ વખાણ પણ કર્યાં. આયેશા પણ દેશની દિગ્ગજ હસ્તીને મળીને ગદગદ થઈ ગઈ હતી.

હવે ક્રાઉન પ્રિન્સની આ વિશેષ યાત્રાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાઈરલ થઈ રહ્યાં છે. લોકો પણ મિલનસાર સ્વભાવ બદલ ક્રાઉન પ્રિન્સના ખુબ વખાણ કરી રહ્યાં છે.

(5:11 pm IST)