Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

રૂપાણી સરકારનો પ્રજાલક્ષી નિર્ણયઃ શહેરી-અર્ધ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવુ ફરજીયાત નથી

હેલ્મેટ પહેરવામાંથી મુકિત

ટુ વ્હીલર ચાલકો માટે આનંદના સમાચારઃ હેલ્મેટ નહીં પહેરો તો પોલીસ દંડ નહીં કરેઃ કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયા બાદ વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ કર્યુ એલાનઃ વાહન ચાલકોની હાલાકીને ધ્યાનમાં રાખી સરકારે નિર્ણય લીધોઃ રાહતલક્ષી નિર્ણયનો અમલ પણ શરૂ : સ્ટેટ તેમજ નેશનલ હાઇવે ઉપર હેલ્મેટ પહેરવુ ફરજીયાત રહેશેઃ આ નિયમના ભંગ બદલ હાલના નિયમો અનુસાર જ દંડ વસુલવામાં આવશે

અમદાવાદ તા. ૪: રાજ્યની વિજયભાઇ રૂપાણી સરકારે ટુ વ્હીલર ચાલકોની હાલાકી અને હાડમારીને ધ્યાનમાં રાખીને આખરે રાહત આપવાનો નિર્ણય લીધો છે. સરકારે આજે એક પ્રજાલક્ષી નિર્ણય લઇ ટુ-વ્હીલર ચાલકોને રાહત આપી છે.  સરકારે શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવામાંથી વાહન ચાલકોને મુકિત આપવાનો નિર્ણય લીધો હોવાનું માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું.

વાહન વ્યવહાર મંત્રી ફળદુએ જણાવ્યું હતું કે હેલ્મેટ પહેરવાને કારણે વાહન ચાલકોને સામાજિક પ્રસંગોમાં જવામાં કે પછી અન્ય કામોમાં ખાસ્સી અગવડ પડતી હતી. આવી અગવડતની ફરિયાદો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે કે શહેરી વિસ્તારોમાં હેલ્મેટના કાયદામાં છૂટ આપવામાં આવે. જો કે, તેમણે કહ્યું હતું કે સ્ટેટ તેમજ નેશનલ હાઇવે ઉપર હેલ્મેટ પહેરવાનું ફરજીયાત રહેશે. આ નિયમનો ભંગ કરવા બદલ હાલના નિયમો અનુસાર જ દંડ વસુલવામાં આવશે.

હવેથી મહાનગરપાલિકા અને નગરપાલિકા તથા મ્યુ. કોર્પો.ની હદમાં આવતા એટલે કે શહેરી-અર્ધ શહેરી વિસ્તારોમાં ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું મરજીયાત રહેશે. કોઇ ટુ વ્હીલર ચાલક હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવશે તો તેને ટ્રાફીક પોલીસ દંડ નહીં કરે. અત્રે એ નોંધનીય છે કે સરકાર સમક્ષ રજૂઆતો થઇ હતી કે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવામાંથી મુકિત મળવી જોઇએ. આ નિયમનો તત્કાલ અમલ પણ શરૂ થઇ ગયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

અત્રે એ નોંધનીય છે કે અત્યાર સુધી રાજ્યમાં શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ન પહેરનારને રૂા.પ૦૦નો દંડ થતો હતો, એટલું જ નહીં ટ્રાફિકના નવા નિયમો સામે લોકોમાં વિરોધની લાગણી હતી. આ સામે આંદોલનો પણ થયા હતાં અને સરકાર સમક્ષ રાહત આપવાની માંગણી પણ થઇ હતી.

આજની કેબિનેટમાં સ્ટેટ તથા નેશનલ હાઇવે ઉપર વાહન હંકારતા ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત રાખવાનો નિયમ ચાલુ રાખવામાં આવ્યો છે. હાઇવે પર વાહનની ગતિ પણ કલાકના ૫૦ કિ.મી.થી વધુ રહેતી હોય છે. આ સંજોગોમાં અકસ્માત થાય તો વાહન ચાલકને માથામાં ઇજા થવાનું જોખમ વધી જાય છે. આ સંજોગોમાં હાઇવે પર હેલ્મેટનો નિયમ ચાલુ રખાયો છે. આ નિયમના ભંગ બદલ દંડની જોગવાઇ પણ ચાલુ રહેશે.

(3:07 pm IST)