Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

આવકવેરા ખાતાએ નવેમ્બર સુધીમાં ૨.૧૦ કરોડ ટેકસ રિફન્ડ મોકલ્યા

ગયા વરસની સરખામણીએ ૨૦ ટકા વધુ રિફન્ડ મોકલાયા

નવી દિલ્હી, તા.૪: આવકવેરા ખાતાએ નવેમ્બર સુધીમાં વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ આઠ મહિનામાં ૨.૧૦ કરોડ રિફન્ડની પ્રક્રિયા પૂરી કરી રૂ.૧.૪૬ લાખ કરોડનું રિફન્ડ મોકલી આપ્યું હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.

સેન્ટ્રલાઈઝડ પ્રોસેસિંગ સેન્ટર (સીપીસી)એ રિફન્ડની પ્રક્રિયા ઝડપી બનાવતાં ગયા વરસની સરખામણીએ ૨૦ ટકા વધુ રિફન્ડ મોકલાયા હતા, એમ તેમણે કહ્યું હતું. એપ્રિલ ૨૦૧૯ અને ૨૮ નવેમ્બર વચ્ચે સીપીસીએ ૪.૭૦ કરોડ રિટર્ન પ્રોસેસ કર્યા હતા જે અગાઉના વર્ષના આજ સમયગાળા દરમિયાન પ્રોસેસ કરવામાં આવેલા ૩.૯૧ કરોડ રિટર્નની સરખામણીએ ૨૦ ટકા વધુ હોવાનું તેમણે કહ્યું હતું. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૮ નવેમ્બર ૨૦૧૯ સુધીમાં આવકવેરા ખાતાએ રિફન્ડના ૨.૧૦ કરોડ કેસ પ્રોસેસ કર્યા હતા જે વર્ષ ૨૦૧૮-૧૯ના આ જ સમયગાળા દરમિયાન પ્રોસેસ કરવામાં આવેલા ૧.૭૫ કરોડ રિફન્ડની સરખામણીએ ૨૦ ટકા વધુ છે, એમ તેમણે કહ્યું હતું. વર્ષ ૨૦૧૯-૨૦ની ૨૮ નવેમ્બર સુધીમાં રિફન્ડ કરવામાં આવેલી રકમનો કુલ આંક રૂ.૧.૪૬ લાખ કરોડ હતો જે અગાઉના વર્ષના એજ સમયગાળામાં કરવામાં આવેલા રૂ.૧.૧૯ લાખ કરોડના રિફન્ડની સરખામણીએ ૨૨.૭ ટકા વધુ હોવાનું તેમણે કહ્યું હતું. વર્ષ ૨૦૧૯-૨૦માં પ્રોસેસ કરવામાં આવેલા કુલ ૨.૧૦ કરોડ રિફન્ડમાંથી ૬૮ ટકા રિફન્ડ ઈ-વેરિફિકેશનના ૩૦ દિવસની અંદર કરવામાં આવ્યા હતા જે અગાઉના વર્ષના એ જ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા રિફન્ડની સરખામણીએ ૫૭ ટકા વધુ હતું, એમ તેમણે કહ્યું હતું. સીપીસી દ્વારા કરવામાં આવેલા રિફન્ડ ઈસીએસ મારફતે સીધા જ કરદાતાઓનાં બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. વેરિફિકેશન કરેલા અને પેન્ડિંગ પડી રહેલા રિફન્ડનો આંક ૨૦.૭૬ લાખ રહ્યો હતો જેનું હાલ પ્રોસેસિંગ કરવામાં આવી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

(11:34 am IST)