Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ભાગેડુ નિત્યાનંદે ઇકવાડોર પાસે બનાવ્યો પોતાનો દેશઃ નામ રાખ્યું 'કૈલાસા'

નિત્યાનંદે પોતાના નવા દેશની વેબસાઇટ પણ લોન્ચ કરી છે, જેમાં તેને ધરતી પર હિન્દુઓનો સૌથી મહાન દેશ ગણાવ્યો છે

બેંગલુરુ, તા.૪:  વિવાદાસ્પદ તાંત્રિક નિત્યાનંદ ભલે પોતાની વિરુદ્ઘ કર્ણાટકમાં નોંધાયેલા એક દુષ્કર્મના મામલાથી પોતાની જાતને બચાવવા માટે પાસપોર્ટ વગર ભારતથી ભાગી ગયો હોય પરંતુ તેણે હવે એક કલ્પનામાં પણ ન આવે એવું કામ કર્યું છે. તેણે પોતાનો એક દેશ વસાવી લીધો છે. તેણે તે દેશનું નામ રાખ્યું છે 'કૈલાસા'. અને હવે તેની પાસે પોતાનો 'પાસપોર્ટ' છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ડીપીએસ ઈસ્ટ સ્કૂલના કેમ્પસમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં સગીરોને ગોંધી રાખવાનો કેસ સામે આવતાં નિત્યાનંદ ફરી ચર્ચામાં આવ્યો છે. આ કેસમાં પણ પોલીસે મુખ્ય નિત્યાનંદને મુખ્ય આરોપી ગણાવ્યો છે.

નિત્યાનંદે પોતાના નવા દેશની વેબસાઇટ પણ લોન્ચ કરી છે, જેમાં તેને ધરતી પર હિન્દુઓનો સૌથી મહાન દેશ ગણાવ્યો છે.

'ઇકવાડોરમાં  નિત્યાનંદે ખરીદ્યો નવો દેશ'

અપુષ્ટ રિપોર્ટો મુજબ, નિત્યાનંદે દક્ષિણ અમેરિકામાં ઇકવાડોરમાં એક દ્વીપ ખરીદ્યો છે અને તેને એક સ્વતંત્ર અને 'નવો દેશ' કહેવાનું શરૂ કરી દીધું છે.

તેની વેબસાઇટ પર દાવો કરવામાં આવ્યો છે- 'કૈલાસા  કોઈ સીમાઓ વગરનો એક દેશ છે જેને દુનિયાભરથી હાંકી કઢાયેલા હિન્દુઓએ વસાવ્યો છે. તેઓએ પોતાના જ દેશોમાં પ્રામાણિક રીતે હિન્દુ ધર્મના અભ્યાસ કરવાનો અધિકાર ગુમાવી દીધો છે.' આ દેશનો પોતાનો એક 'પાસપોર્ટ' છે અને નિત્યાનંદે પહેલા જ તેનું એક ઓનલાઇન સેમ્પણ પણ મૂકયું છે.

વેબસાઇટ મુજબ, આ નવો દેશ એક મંદિર આધારિત ઇકોલોજી સાથે ત્રીજી આંખના પાછળનું વિજ્ઞાન, યોગ, ધ્યાન અને ગુરુકુળ શિક્ષા પદ્ઘતિનો પણ દાવો કરે છે. આ ઉપરાંત આ દેશ તમામને મફત સ્વાસ્થ્ય સેવાઓ, મફત શિક્ષણ, મફત ભોજન અને એક મંદિર આધારિત જીવન પ્રણાલી આપવાની વાત પણ કહે છે.

નિત્યાનંદે હવે લોકોને પોતાના દેશના નાગરિક બનવા માટે આમંત્રિત કરી રહ્યો છે. તેની સાથે જ તેને ચલાવવા માટે તે લોકો પાસે દાન પણ માંગી રહ્યો છે.

નિત્યાનંદ જેનું અસલી નામ રાજશેખરન છે, તે તમિલનાડુનો રહેવાસી છે. તે વર્ષ ૨૦૦૦માં બેંગલુરુની પાસે એક આશ્રમ બનાવ્યા બાદ પ્રભાવશાળી થઈ ગયો હતો. તેના મોટાભાગના ભાષણ આધ્યાત્મિક ગુરુ ઓશો રજનીશના વિચારો પર આધારિત હોય છે.

૨૦૧૦માં નિત્યાનંદ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જયારે તેનો એક એકટ્રેસ સાથે આપત્ત્િ।જનક સ્થિતિમાં વીડિયો વાયરલ થયો હતો. બાદમાં તેની પર દુષ્કર્મના આરોપ લાગ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ ઉપરાંત અન્ય દુષ્કર્મ કેસમાં પણ તેની પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

એક સેકસ સ્કેન્ડલ અને અમદાવાદમાં ડીપીએસ ઈસ્ટ સ્કૂલના કેમ્પસમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં સગીરાઓના કથિત શોષણના સમાચારો સામે આવ્યા બાદ ગુજરાત પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે નિત્યાંનદ ભારતમાં ઉપલબ્ધ નથી.

કર્ણાટક પોલીસના સૂત્રો મુજબ, નિત્યાંનદ ૨૦૧૮ના અંતમાં પોતાના જામીનનો ફાયદો ઉઠાવતાં દેશ છોડીને ભાગી ગયો. તેનો પાસપોર્ટ સપ્ટેમ્બર ૨૦૧૮માં જ એકસપાયર થઈ ગયો છે અને સ્થાનિક પોલીસે પાસપોર્ટ રિન્યૂઅલની અરજીને પણ ફગાવી દીધી હતી

(10:03 am IST)