Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

IBCમાં ફેરફારઃ કોર્ટની બહાર સમાધાન વધશે

મુંબઇ તા. ૪ : સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC)ના તાજેતરના એમેન્ડમેન્ટ્સથી પરેશાન પ્રમોટર્સ કંપની ગુમાવવાનું જોખમ લેવાને બદલે ધિરાણકારો સાથેના નાના વિવાદમાં કોર્ટ બહાર સમાધાનની વિચારણા કરી રહ્યા છે. IBCના નવા એમેન્ડમેન્ટ પ્રમાણે એક વર્ષ કે વધુ સમયથી NPA તરીકે વર્ગીકૃત થયેલી લોન ધરાવતા વિલફુલ ડિફોલ્ટર્સ તેમની કંપની માટે બિડિંગ કરી નહીં શકે. અમુક લાખની રકમ નહીં ચૂકવનારા પ્રમોટર્સ સામે પણ ધિરાણકારોએ રિકવરી માટે IBCમાં કેસ ફાઇલ કર્યો છે.

IBC ડિસેમ્બર ૨૦૧૬થી અમલી બન્યો છે. ત્યારથી અત્યાર સુધીમાં કાર્યરત લેણદારોએ કુલ ૪,૫૦૦માંથી ૭૫ ટકાથી વધુ કેસ ફાઇલ કર્યા છે. નાની રકમના કારણે આ કેસમાંથી ઘણાની ફરિયાદ પ્રમોટર્સ માટે સમયનો બગાડ છે.

જોકે, IBCના એમેન્ડમેન્ટ પછી પ્રમોટર્સ ફરિયાદને અવગણશે અને કેસ દાખલ કરવામાં આવશે તો તેને પોતાની કંપની માટે બિડિંગ કરવાની પ્રક્રિયામાંથી બાકાત રહેવું પડે તેવી શકયતા છે. ઇકોનોમિક લોઝ પ્રેકિટસના પાર્ટનર બાબુ સિવપ્રકાસમે જણાવ્યું હતું કે, કાર્યરત લેણદારો અને કોર્પોરેટ ઋણધારકો બંને માટે કેસ દાખલ કરવા અગાઉની ૧૪ દિવસની વિન્ડો મહત્ત્વની રહેશે. પ્રમોટર્સ આ સમયમાં કેસનું સમાધાન કરવાનો પ્રયાસ કરશે.

ઘણા કેસ સપ્લાયર્સ અથવા SMEs દ્વારા લેણાંની ચુકવણી નહીં કરવા અંગેના હોય છે. આવા કેસનું કોર્ટ બહાર સમાધાન થઈ શકે. L&T અને RComએ કોર્ટની બહાર સમાધાન કર્યું હોવાનાં ઉદાહરણ છે. કારણ કે એક વખત કેસ દાખલ થયા પછી ૨૭૦ દિવસમાં રિઝોલ્યુશન ફરજિયાત છે. આવું ન થાય તો કંપની ફડચામાં જવાની શકયતા છે. કંપની ફડચામાં જવાની સ્થિતિમાં નાણાકીય લેણદારોને કાર્યરત લેણદારોનું પીઠબળ હોય છે.

બેન્કરપ્સી રિઝોલ્યુશનમાં નિષ્ણાત કન્સલ્ટન્સીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ બાબતોનો આધાર કંપનીની આર્થિક સ્થિતિ પર રહે છે. તેમની પાસે સાધનો ન હોય અને કેસ દાખલ કરવામાં આવે તો કાર્યરત લેણદારોને કંઈ મળતું નથી. કારણ કે લેણાંની વસૂલાતમાં તેમનો વારો છેલ્લો આવે છે.

જોકે, કાર્યરત લેણદારો નવા એમેન્ડમેન્ટનો દુરુપયોગ કરે તેવી શકયતા છે. રાજાણી એસોસિયેટ્સના મેનેજિંગ પાર્ટનર પ્રેમ રાજાણીએ જણાવ્યું હતું કે, ઘણા નાખુશ કર્મચારીઓએ માત્ર ઈં ૧૩ લાખનાં લેણાં માટે પણ કેસ કર્યા છે અને કંપની નફો કરતી હોવાને લીધે આ નાણાં ચૂકવવા સિવાય અન્ય વિકલ્પ નથી.

(2:03 pm IST)