Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

વિદ્યા બાલનને કફ સિરપની જાહેરાતથી દુર રહેવાની સલાહ આપવામાં આવશે

આ જાહેરખબર બાબતમાં T-સિરીઝને FDA નોટીસ મોકલશે

નવી દિલ્હી તા. ૪ : 'તુમ્હારી સુલુ'ના નિર્માતા પ્રોડકશન હાઉસ T-સિરીઝ સામે FDAના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. ઓવર ધ કાઉન્ટર (OTC) વેચાણ માટેનું જે કફ સિરપ ડોકટરની સલાહ વગર લેતાં આરોગ્યને હાનિકારક જણાયું છે એ કફ સિરપ બાબતે કોલેબરેશનના મુદ્દે FDAના અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી છે. 'તુમ્હારી સુલુ'ના પ્રમોશન દરમ્યાન એમાં લીડ રોલ કરતી અભિનેત્રી વિદ્યા બાલન એક એડ્વર્ટાઇઝમેન્ટમાં ટોરેકસ કફ સિરપને પ્રમોટ કરતી જોવા મળે છે. એ એડ્વર્ટાઇઝમેન્ટમાં વિદ્યા બાલન રેડિયો-શોના એન્કરિંગ દરમ્યાન ખાંસી ખાતી જોવા મળે છે. ત્યાર પછી વિદ્યા બાલન એમ પણ કહે છે કે 'સુલુ કે હર સફર મેં ઉસકા સાથી, ટોરેકસ કફ સિરપ હો તો અલવિદા ખાંસી.'

FDAના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે એ લોકોએ એ કફ સિરપની તપાસ કરી છે અને યોગ્ય માર્ગદર્શન વગર કફ સિરપને પ્રમોટ કરવા બાબતે એડ્વાઇઝરી નોટિસ મોકલવાની તૈયારી કરી છે. એ કફ સિરપમાં ડિફેનહાઇડ્રેમાઇન હાઇડ્રોકલોરાઇડ, ટર્પેઇન હાઇડ્રેટ, એમોનિયમ કલોરાઇડ અને સોડિયમ સાઇટ્રેટ જેવાં રસાયણો છે. એ રસાયણોવાળી દવા અયોગ્ય રીતે લેવાથી સાઇડ-ઇફેકટ્સની શકયતા છે. એનાથી અમુક શારીરિક સ્થિતિ અથવા અસ્થમા, મૂડ-ડિસઓર્ડર્સ, હાઇપરથાઇરોડિઝમ અને કાર્ડિયોવેસ્કયુલર ડિસીઝ અને કિડની-પ્રોબ્લેમ્સ જેવી બીમારીઓ ધરાવતી વ્યકિતઓને નુકસાન થઈ શકે છે.

(9:54 am IST)