Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

સ્મૃતિને બંગાળની જવાબદારી મળી શકે છે

પેટા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ ભાજપનું નેતૃત્વ કરશે ફેરફાર : પેટા ચૂંટણીમાં હિમાચલમાં લોકસભાની એક મહત્વની બેઠક ગુમાવીઃ વિધાનસભાની બેઠક પણ ન જાળવી શકી

નવી દિલ્હી, તા.૪: હાલમાં ૧૩ રાજ્યોની ૩ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૨૯ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામોને લઈ ભાજપનું નેતૃત્વ શોકમાં છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં ખૂબ જ ખરાબ પ્રદર્શનના કારણે સતર્ક બનેલા નેતૃત્વએ આ રાજ્યના અધ્યક્ષો અને પ્રભારીઓ પાસેથી રિપોર્ટ માગ્યો છે.

 દિવાળી બાદ હારના કારણોની સમીક્ષા બાદ નેતૃત્વ પાર્ટીમાં જરૂરી ફેરફારો પર મહોર મારી શકે છે.

હકીકતે પાર્ટી નેતૃત્વને આ રાજ્યોમાં આટલા ખરાબ પ્રદર્શનની આશા નહોતી. પેટા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં પાર્ટીએ લોકસભાની એક મહત્વની બેઠક ગુમાવવી પડી. તે સિવાય વિધાનસભાની બેઠક પણ ન જાળવી શકાઈ. પશ્ચિમ બંગાળમાં પાર્ટીએ ૨ બેઠકો ગુમાવી અને તે સિવાય તેના મતની ટકાવારી ૪૦ ટકાથી ઘટીને ૧૫ ટકાએ રહી ગઈ.

 પાર્ટી સૂત્રોના કહેવા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં કાર્યકરોનું મનોબળ જાળવી રાખવા માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને પ્રભારી બનાવવામાં આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, પેટા ચૂંટણીમાં ભાજપાએ મોટા તફાવતથી પોતાની બે બેઠકો ગુમાવવી પડી છે. ૩ બેઠકો પર પાર્ટી ઉમેદવારો પોતાની ડિપોઝીટ પણ ન બચાવી શક્યા. પાર્ટીના રણનીતિકારોના મતે વિધાનસભા ચૂંટણીના પરિણામોની પાર્ટીના કાર્યકરોના મનોબળ પર અસર પડી છે.

(2:41 pm IST)