Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

કાશ્મીરમાં ૧૦૦ દિવસ શાળા કોલેજો બંધ રહી

કોર્સ પુરા કેવી રીતે કરવા શિક્ષણશાસ્ત્રીઓનો સવાલ

જમ્મુ,તા.૪: ઓગસ્ટમાં કલમ ૩૭૦ હટાવ્યા પછીથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓએ લગભગ ૧૫૦ દિવસનો અભ્યાસ ગુમાવ્યો છે. કાશ્મીરમાં એક શેક્ષણિક વર્ષ દરમ્યાન સરેરાશ ૨૫૦ દિવસ શૈક્ષણિક કાર્ય થતુ હોય છે. જેમાંથી ૧૦૦ દિવસોતો હાલની પરિસ્થિતિને કારણે ગુમાવ્યા છે.

ત્રણ મહિનાના શિયાળુ વેકેશન પછી કાશ્મીરીની શાળાઓ ૧ માર્ચ ખુલી હતી. ત્યારથી ૪ ઓગસ્ટ સુધી શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં બધુ બરાબર ચાલ્યુ હતું. પણ ૫ ઓગસ્ટે કલમ ૩૭૦ હટાવાયા પછી સુરક્ષાના કારણોસર સરકારે બધી શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરી દીધી હતી.

શિક્ષણ વિભાગના એક અધિકારીએ કહ્યું કે આ ૯૦ દિવસો દરમ્યાન શાળાઓમાં ૫૦ ટકા જેવો પાઠયક્રમ પુરો થયો છે. શિક્ષણશાસ્ત્રી બશીર અહમદ દારે કહ્યું હતું કે વિદ્યાર્થીઓની શાળામાં હાજરી ૯૦ દિવસ જેટલી છે. જેમાં ફકત ૩૦ થી ૪૦ કોર્સ પુરા થયા હોય.

તેના કહેવા અનુસાર શિયાળુ વેકેશનને બિનજરૂરી રીતે લંબાવવાથી શૈક્ષણિક સંસ્થાઓ માર્ચના મધ્યમાં શરૂ થઇ, પછી ૧૦ દિવસનું ઉનાળુ વેકેશન આવ્યું અને ૫ ઓગસ્ટથી આ બધી સંસ્થાઓ બંધ થઇ ગઇ હતી. તેમણે કહ્યું કે આના માટે જરૂરી પગલાઓ લેવાના બદલે સરકારે વાર્ષિક પરિક્ષાઓના આદેશ આપ્યા છે. અર્ધા પાઠયક્રમ ભણેલા વિદ્યાર્થીઓ કોમ્પીટીટીવ એકઝામમાં કયાંથી ઉભા રહી શકશે. તેમને થયેલા નુકસાનની જવાબદારી સરકારની છે. તેમણે શિયાળુ વેકેશનને રદ કરીને કોર્સ પુરા કરાવવાની ભલામણ કરતા કહ્યું કે સરકારે શિયાળુ વેકેશન દરમ્યાન શાળા કોર્સ પુરા કરાવવા જોઇએ. શિયાળા દરમ્યાન જરૂર પડે તો શાળા કોલેજોમાં વધારાની હીટરની સગવડો ઉભી કરવી જોઇએ. જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને તકલીફ ન પડે.

(3:37 pm IST)