Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વિજળી ક્ષેત્રે સંકટના એંધાણ

વિજ વિતરણ કંપનીઓનું વીજ ઉત્પાદક કંપનીઓ પરનું દેવુ ૩૭ ટકા વધી રૂ.૬૯૫૫૮ કરોડ

સપ્ટેમ્બર ૨૦૧૯માં ગયા વર્ષની સરખામણીમાં બાકી રકમમાં ૩૭ ટકાનો વધારો થયોઃ ૬૦ દિવસના ગ્રેસ પીરિયડ પછી પણ બાકી રકમ રૂ.૫૨,૪૦૮ કરોડ થઇ

નવી દિલ્હી તા.૪: વીજ વિતરણ કંપનીઓનું વીજ ઉત્પાદક કંપનીઓ પરનું દેવું સપ્ટેમ્બરમાં ૩૭ ટકા વધીને રૂ.૬૯,૫૫૮ કરોડ થઇ ગયું છે. આમ આ સેકટરમાં તકલીફ વધી ગઇ છે. સપ્ટેમ્બર ૨૦૧૮માં વીજ વિતરણ કંપનીઓએ વીજ ઉત્પાદક કંપનીઓ પાસે બાકી રકમ રૂ.૫૦,૫૮૩ કરોડ હતી.

સરકારની પ્રાપ્તિ (PRAAP-TI પેમેન્ટ રેટિફિકેશન એન્ડ એનાલિસીસ ઇન પાવર પ્રોકયોરમેન્ટ ફોર બ્રિંગિંગ ટ્રાન્સપેરન્સી ઇન ઇન્વોઇસિંગ ઓફ જનરેટર્સ) પોર્ટલ પરની માહિતી અનુસાર આ વર્ષે સપ્ટેમ્બરમાં ૬૦ દિવસના ગ્રેસ પીરિયડ પછી પણ વીજ ઉત્પાદકોને ન ચૂકવાયેલી રકમ રૂ.૫૨,૪૦૮ કરોડ થઇ હતી, જે ગત વર્ષે આ ગાળામાં રૂ.૩૪,૬૫૮ કરોડ હતી.

વીજ ઉત્પાદક કંપનીઓ વીજ વિતરણ કંપનીઓ સપ્લાય પેટે બાકી રકમ ચૂકવવા માટે ૬૦ દિવસનો ગ્રેસ પીરિયડ આપે છે. ત્યાં સુધી કોઇ વ્યાજ પણ લાગતું નથી. ત્યારબાદ જો વિલંબ થાય તેના પર વ્યાજ લાગુ પડે છે.

વીજ ઉત્પાદક કંપનીઓને આ સમસ્યા સામે રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ૧ ઓગસ્ટથી પેમેન્ટ સિકયુરિટી મિકેનિઝમ લાગુ કરી છે. આ અંતર્ગત વીજ વિતરણ કંપનીઓએ વીજ સપ્લાય મેળવવા માટે લેટર ઓફ ક્રેડિટ (Loc) આપવાનો રહે છે.

(11:45 am IST)