Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

પાંચ વર્ષમાં બેંકોની ૩૪૨૭ શાખાના અસ્તિત્વ પર અસર

આરટીઆઈ અરજીના જવાબમાં મોટો ખુલાસો થયો : ૭૫ ટકા શાખાઓ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈની છે : વર્ષ ૨૦૧૮-૧૯માં ભારે ઉથલપાથલ બેંકોમાં રહી

ઇન્દોર, તા. ૩ :માહિતી અધિકાર (આરટીઆઈ)માં ખુલાસો કરવામાં આવ્યો છે કે, છેલ્લા પાંચ વર્ષના ગાળા દરમિયાન મર્જર અથવા તો શાખાબંધીના પરિણામ સ્વરુપે જાહેર ક્ષેત્રની ૨૬ સરકારી બેંકોની કુલ ૩૪૨૭ બેંક શાખાઓના મૂળ અસ્તિત્વને અસર થઇ છે. ખાસ બાબત એ છે કે, આમાથી ૭૫ ટકા શાખાઓ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈની છે. આ ગાળા દરમિયાન એસબીઆઈમાં તેના પાંચ સાથી બેંકો અને ભારતીય મહિલા બેંકનું મર્જર પણ થયું છે. આ માહિતી એવા સમયે સપાટી ઉપર આવી છે જ્યારે દેશની ૧૦ સરકારી બેંકોને મર્જ કરીને ચાર મોટી બેંકોમાં ફેરફાર કરવાની સરકારની નવી યોજના પર કામ શરૂ થઇ ચુક્યું છે. આરટીઆઇ કાર્યકર ચંદ્રશેખર ગૌડે ભારતીય રિઝર્વ બેંક પાસેથી જે માહિતી હાંસલ કરવામાં આવી છે તે મુજબ દેશની ૨૬ સરકારી બેંકોની નાણાંકીય વર્ષ ૨૦૧૪-૧૫માં ૯૦ શાખાઓ હતી. ૨૦૧૫-૧૬માં ૧૨૬ શાખા, ૨૦૧૬-૧૭માં ૨૫૩ શાખા, ૨૦૧૭-૧૮માં ૨૦૮૩ શાખા અને ૨૦૧૮-૧૯માં ૮૭૫ શાખાઓ બંધ કરી દેવામાં આવી છે અથવા તો તેમને બીજી બેંક શાખાઓમાં મર્જ કરી દેવામાં આવી છે.

                આરટીઆઈ અરજી પર મળેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા પાંચ નાણાંકીય વર્ષોમાં મર્જર અથવા તો બંધ થવાથી એસબીઆઇને સૌથી વધારે ૨૫૬૮ જેટલી શાખાઓને માઠી અસર થઇ છે. આરટીઆઈ કાર્યકરોએ સરકારી બેંક શાખાઓને બંધ કરવાના સંદર્ભમાં માહિતી મેળવવાના પ્રયાસ કર્યા હતા. આ ઉપરાંત બેંક ઓફ બરોડામાં વિજ્યા બેંક અને દેના બેંકની મર્જરની પ્રક્રિયા પહેલી એપ્રિલ ૨૦૧૯થી અમલી થઇ હતી. ૧૦ અન્ય બેંકોના મર્જરથી ૭૦૦૦ જેટલી શાખાઓને સીધી અસર થનાર છે. બીજી બાજુ જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારી સંગઠનોએ આના મર્જરને લઇને સરકારની નવી યોજનાનો વિરોધ તીવ્ર બનાવી દીધો છે. અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘના મહાસચિવ વેંકટ ચલમે કહ્યું છે કે, જો સરકાર દેશની ૧૦ સરકારી બેંકોને મળીને ચાર મોટી બેંક બનાવે છે તો આના લીધે ઓછામાં ઓછી ૭૦૦૦ શાખાઓને અસર થશે. આમાથી મોટાભાગની શાખાઓ મહાનગર અને શહેરોમાં રહેલી છે. અર્થશાસ્ત્રી જ્યંતિલાલ ભંડારીનો અભિપ્રાય છે કે, જાહેર ક્ષેત્રની બેંકોના મર્જરની બાબત સમયની જરૂરિયાત દેખાઈ રહી છે. નાની સરકારી બેંકોને મર્જર કરીને મોટી બેંક બનાવવાથી સરકારી ખજાનાને ફાયદો થશે. બીજી બાજુ મોટી સરકારી બેંક પોતાની મજબૂત નાણાંકીય સ્થિતિના કારણે સામાન્ય લોકોને અપેક્ષા કરતા વધારે લોનની સુવિધાપણ આપી શકશે. જેનાથી દેશમાં આર્થિક ગતિવિધિમાં વધારો થશે.

(12:00 am IST)