Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ભારતીય ઉપમહાદ્વીપમાં ડ્રગ્સનો સપ્લાય વધી શકે છે

મુંદ્રાથી પકડાયેલા ડ્રગ્સને લઈ અધિકારીઓ ચિંતિત : ડ્રગ્સની મોટી ખેપ પકડાયા બાદ, ડ્રગ્સ નેટવર્કનો ભાંડો ફૂટતા સરકાર તેની તપાસ એનઆઈએને સોંપી શકે છે

નવી દિલ્હી, તા. : મુંદ્રા અદાણી પોર્ટ પરથી ૧૫ સપ્ટેમ્બરના રોજ પકડાયેલા ,૦૦૦ કિગ્રા ડ્રગ્સને લઈ અધિકારીઓની ચિંતા વધી ગઈ છે. અધિકારીઓને એવો ડર છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ બાદ ભારતીય ઉપમહાદ્વીપમાં ડ્રગ્સનો સપ્લાય વધશે અને તેનાથી નવું સંકટ સર્જાશે. તેવામાં એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ડ્રગ્સની આટલી મોટી ખેપ પકડાયા બાદ અને ડ્રગ્સ નેટવર્કનો ભાંડો ફૂટ્યા બાદ ભારત સરકાર તેની તપાસ એનઆઈએને સોંપી શકે છે. ૩૦૦૦ કિગ્રા ડ્રગ્સ કેસમાં ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે નવો ખુલાસો કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, જૂન મહિનામાં કચ્છના બંદર ખાતે એક ડ્રગ રનર્સ ડ્રાઈ રન કરવામાં આવી હતી. તે ડ્રાઈ રનથી મળેલા સાક્ષીઓના આધારે ડીઆરઆઈએ આઈબી, રો અને એનઆઈએ જેવી સુરક્ષા એજન્સીઓની મદદથી મુંદ્રા પોર્ટ પર આટલી મોટી કાર્યવાહી કરી હતી અને અફઘાની નાગરિકો દ્વારા ભારતમાં ફેલાવવામાં આવેલા ડ્રગ નેટવર્કનો ભાંડો ફોડ્યો હતો. મુંદ્રા બંદર ખાતે થયેલી કાર્યવાહીના તાર રાજધાની દિલ્હી સાથે મળી રહ્યા છે. ત્યાર બાદ પોલીસ દ્વારા સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે. તેમાં નવા ડીસીપી તૈનાત કરવામાં આવ્યા છે. ડ્રગ ટેરર અંડરવર્લ્ડ યુનિટ કેન્દ્રીય એજન્સીઓ સાથે કામ કરીને ડ્રગ ચેઈનને શોધશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પહેલેથી નાઈજીરિયન અને અફઘાની નાગરિક ડ્રગ સપ્લાયર તરીકે સક્રિય છે.

એનસીબીના અધિકારીઓએ જણાવ્યું કે, તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજા બાદ ભારતીય ઉપમહાદ્વીપમાં ડ્રગ સંકટ સર્જાઈ રહ્યું છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તાલિબાન રાજમાં અફઘાનિસ્તાનમાં અફીણની રેકોર્ડ ખેતી થશે અને ભારતમાં પાકિસ્તાન સમર્થક લોકો માટે તે આવકનું મોટું સાધન બની જશે. તેવામાં મુંબઈ અને દિલ્હીમાં ડ્રગ્સ સંકટ ઘેરાઈ શકે છે.

(7:40 pm IST)