Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

લખીમપુર હિંસા સાથે જોડાયેલા 7 લોકોની ધરપકડ : વાયરલ વીડિયોથી 24 લોકોની ઓળખ થઇ : એસટીએફ કરશે તપાસ

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશીષ મિશ્રા સહિત 14 લોકોની વિરુદ્ધ હત્યા, અપરાધિક કાવતરું અને બળવા સહિત અનેક કલમો હેઠળ FIR નોંધી

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવાર સાંજે ખેડૂતો અને કેન્રીલ્ય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રા સમર્થકો વચ્ચે થયેલા હિંસક સંઘર્ષની તપાસ હવે એસટીએફ કરશે. મળતી જાણકારી મુજબ, એસટીએફ સોમવાર સાંજથી જ તપાસ પોતાના હાથમાં લઈ લેશે. બીજી તરફ, પોલીસે હિંસા બાદ વાયરલ વીડિયોથી 24 લોકોની ઓળખ કરી દીધી છે. સાથોસાથ પોલીસ સાત લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.

આ પહેલા સમગ્ર મામલમાં પોલીસે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશીષ મિશ્રા સહિત 14 લોકોની વિરુદ્ધ હત્યા, અપરાધિક કાવતરું અને બળવા સહિત અનેક કલમો હેઠળ FIR નોંધી લીધી છે. જોકે, હજુ સુધી આ મામલામાં કોઈ પણ ધરપકડ નથી કરવામાં આવી. બીજી તરફ, લખીમપુર જિલ્લા પ્રશાસન અને ખેડૂતોની વચ્ચે બેઠકોનો દોર ચાલુ છે. ખેડૂતોની માંગ છે કે અજય મિશ્રાને મંત્રી પદથી હટાડવામાં આવે. તેમના દીકરા આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવે. આ ઉપરાંત મૃતકોના પરિજનોને એક-એક કરોડ રૂપિયાનું વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે.

આ દરમિયાન મામલાને લઈ લખીમપુર ખીરીથી લઈને લખનઉ સુધી હોબાળો મચી ગયો છે અને જોરદાર રાજકારણ ચાલી રહ્યું છે. પોલીસે લખીમપુર જવાની જીદ પર ઉતરેલા અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી, શિવપાલ યાદવ, રામગોપાલ યાદવ, સંજય સિંહ સહિત તમામ નેતાઓને કસ્ટડીમાં લઈ લીધા છે. વિપક્ષનો આરોપ છે કે તેમને પીડિતોને મળવા નથી દેતા.

બીજી તરફ, વિપક્ષના વલણ પર સખ્ત વલણ અપનાવતા યોગી સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે, વિપક્ષ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર રાજકારણ રમી રહી છે. તેની મંજૂરી કોઈને નહીં આપવામાં આવે. તેમણે કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ પોતે આ મામલાની ગંભીર નોંધ લીધી છે. તપાસ કર્યા વગર કોઈ પરિણામ પર પહોંચવું યોગ્ય નથી. મામલામાં જે પણ દોષી હશે તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે.

(6:43 pm IST)