Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં હિંસા બાદ વિવાદ યથાવતઃ મૃતક ખેડૂતોને 45-45 લાખ અને ઇજાગ્રસ્‍તોને 10-10 લાખની સહાય અપાશે

કેસની ન્‍યાયિક તપાસ અને પરિવારના એક સભ્‍યને સરકારી નોકરી આપવા સરકાર અને ખેડૂતો વચ્‍ચે સમજુતિ

લખનઉં: લખીમપુર ખીરીમાં હિંસા બાદ યુપી રાજકીય અખાડો બની ગયુ છે. વિપક્ષી નેતા લખીમપુર જઇને ખેડૂતોને મળવા માંગતા હતા પણ તંત્રએ તેમણે રોક્યા હતા. પોતાને રોકવામાં આવતા અખિલેશ યાદવ લખનઉંમાં રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા, જે બાદ તેમની અટકાયત કરવામાં આવી હતી. આ પહેલા પ્રિયંકા ગાંધીની સીતાપુરમાં અટકાયત કરવામાં આવી હતી. લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂત પ્રદર્શન દરમિયાન દૂર્ઘટના અને તે બાદ થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્રએ તે ખેડૂતો પર કાર ચઢાવી હતી.

લખીમપુર ખીરીમાં સરકાર, પ્રદર્શનકારી ખેડૂતોની વાતચીત સફળ

લખીમપુર ખીરીમાં ખેડૂતો અને સરકાર વચ્ચે સમજૂતિ થઇ છે. જેમાં સરકાર તમામ મૃતક ખેડૂતોને 45-45 લાખ રૂપિયા આપશે. બીજી તરફ ઘાયલોને 10-10 લાખ રૂપિયા મળશે. આ કેસની ન્યાયિક તપાસ થશે, આ સિવાય પરિવારના 1 સભ્યને સરકારી નોકરી મળશે.

પંજાબમાં પ્રદર્શન કરશે નવજોત સિંહ સિદ્ધૂ

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ, પંજાબ કોંગ્રેસ ધારાસભ્ય અને અન્ય નેતા આજે પંજાબમાં રાજ્યપાલ કાર્યાલયની બહાર પ્રદર્શન કરશે, તેમની માંગ છે કે લખીમપુર ખીરી મામલે આરોપી મંત્રીના પુત્રની ધરપકડ કરવામાં આવે, આ સિવાય હરિયાણાના મુખ્યમંત્રીનું નિવેદન, પ્રિયંકા ગાંધીની અટકાયત મામલે આપત્તિ વ્યક્ત કરી છે.

ચંદ્રશેખર આઝાદ લખીમપુર ખીરી પહોચ્યા

ચંદ્રશેખર આઝાદ લખીમપુર ખીરી પહોચી ગયા છે, તેમણે કહ્યુ કે 3 કલાક માટે ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેમ છતા હું અહી પહોચ્યો છું.

(4:43 pm IST)