Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

લખીમપુર હિંસા

પ્રિયંકા ગાંધી ડિટેન્શન રૂમની સફાઈ કરતાં જોવા મળ્યાઃ યુપી પોલીસે ખીરી જતાં અટકાવ્યા

યુપીના લખીમપુર ખીરીમાં ભડકેલી હિંસાના પીડિતોને મળવા પહોંચેલી પ્રિયંકા ગાંધી વાડ્રાની પોલીસે અટકાયત કરી છે

નવી દિલ્હી, તા.૪: યુપીના લખીમપુર ખીરીમાં ભડકેલી હિંસાના પીડિતોને મળવા પહોંચેલી પ્રિયંકા ગાંધી વાડ્રાની પોલીસે અટકાયત કરી છે. પ્રિયંકા લખીમપુર પહોંચ્યા હતા, પરંતુ તેમની હરગાંવમાં જ પોલીસે અટકાયત કરી હતી અને પીડિતોને મળવા દીધા નહોતા. તેમને સીતાપુરમાં પોલીસ લાઈનમાં રાખવામાં આવ્યા છે. તેમને જે રૂમમાં રાખવામાં આવ્યા છે તેઓ સાવરણી વડે રૂમની સફાઈ કરતાં પણ જોવા મળ્યા હતા.

પ્રિયંકા ગાંધીને પોલીસે જે ગેસ્ટ હાઉસમાં રાખ્યા છે, ત્યાંથી તેમનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા રૂમમાં સાવરણી વડે સફાઇ કરતાં નજરે પડે છે. લગભગ ૪૫ સેકન્ડના આ વીડિયોમાં જોવા મળે છે કે રૂમ આખો ખાલી છે અને પ્રિયંકા ઝાડૂ લગાવી રહ્યાં છે. પ્રિયંકાને પીએસીની ૨૨મી બટાલિયનના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે.

આ પહેલા સોમવારે સવારે જયારે પ્રિયંકા ગાંધીને હરગાંવ નજીક પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, ત્યારે તેમની યુપી પોલીસના ઓફિસરો સાથે ઉગ્ર દલીલ થઇ હતી. પ્રિયંકા ગાંધીએ પોલીસ અધિકારીઓને કહ્યું કે તેઓ તેમને આવી કસ્ટડીમાં લઈ શકે નહીં. જો તેઓ તેમને વોરંટ વગર લઈ જાય અને ધક્કા-મુક્કી કરે તો તે અપહરણ, છેડતી અને હિંસાનો કેસ બને છે.

પ્રિયંકા ગાંધીએ પોલીસકર્મીઓને કહ્યું કે, તેઓ ધરપકડ વોરન્ટ મોટા અધિકારીઓ અને મંત્રીઓ પાસેથી લઇને આવે. ધરપકડનું વોરંટ બતાવો અને તેમને હાથકડી પહેરાવો, પછી તેઓ ખુશીથી સાથે જવા માટે તૈયાર થશે. જયારે પોલીસ અધિકારીઓએ મહિલા પોલીસકર્મીઓને આગળ કર્યા તો તેમણે કહ્યું કે મહિલાઓને આગળ ન કરો. થોડાક કાયદા તો તે પણ જાણે છે. યુપીમાં ભલે કાયદાનું પાલન ન થાય, પરંતુ દેશમાં કાયદો છે.

(3:24 pm IST)