Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ફુટઓવર બ્રિજની નીચે ફસાઈ ગયું એર ઈન્ડિયાનુ વિમાનઃ લોકો થયા પરેશાન

વિડિયો વાયરલ થયો

નવી દિલ્હી, તા.૪: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એર ઈન્ડિયાનુ એક વિમાન ફુટઓવર બ્રિજની નીચે ફસાઈ ગયું છે. આ દ્યટના દિલ્હીથી ગુરૂગ્રામને જોડનારા રસ્તા પર બની. લગભગ ૪૦ સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે વિમાન ફસાઈ ગયું હતું. જોઈ શકાય છે કે ફુટઓવર બ્રિજની નીચેથી વિમાન પસાર થઈ રહ્યું હતું અને આ દરમિયાન તેનો પાછલો હિસ્સો ફુટઓવર બ્રિજ નીચે ફસાઈ ગયું હતું.

વીડિયો સામે આવ્યા બાદ એર ઈન્ડિયાએ તાત્કાલિક સ્પષ્ટતા કરી છે. એર ઈન્ડિયા કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે આ કોઈ દુર્ઘટના નથી. કંપનીએ જણાવ્યું કે એક ખરાબ વિમાનને ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યું હતું. એર ઈન્ડિયાએ કહ્યું કે, આ ખરાબ વિમાનને જેણે ખરીદ્યું હતું, તે તેને લઈને જઈ રહ્યા હતા. એર ઈન્ડિયાના પ્રવકતાએ કહ્યું કે, એક જૂનું, ખરાબ થઈ ચૂકેલું જહાજ છે જેને પહેલા જ વેચવામાં આવ્યું છે.

વીડિયોમાં વાહનોને રસ્તાની એક તરફ પસાર થતા જોવા મળતા હતા, જયારે બીજી તરફ મોટાપાયે ટ્રાફિકજામ લાગી ગયો હતો અને વાહનોની સ્પીડ ધીમી પડી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાનનો આગળનો હિસ્સો તો સરળતાથી નીકળી ગયો પરંતુ પાછળનો ભાવ ફુટઓવર બ્રિજની નીચે ફસાઈ ગયો

દિલ્હી એરપોર્ટના એક અધિકારીએ એવું પણ કહ્યું કે આ ઘટનામાં કોઈ ફ્લાઇટ કે ચાલુ વિમાન નથી. અધિકારીએ કહ્યું કે, વિમાન દિલ્હી એરપોર્ટથી સંબંધિત નથી અને વીડિયોમાં તેને વિંગ વગર લઈ જવામાં આવી રહ્યું છે. એવું લાગે છે કે આ એક ખરાબ વિમાન છે અને ડ્રાઇવરે તેને લઈ જતી વખતે ખોટો નિર્ણય લીધો હશે.

(11:19 am IST)