Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

અન્ડર-ગાર્મેન્ટસ, શર્ટના કોલર ને બેલ્ટમાં હતુ ડ્રગ્સ

એનસીબીથી બચવા માટે આવો પ્લાન બનાવ્યો છતાં પકડાઇ ગયા : શાહરૂખના દીકરાની કોન્ટેકટ લેન્સની ડબ્બીમાં હતો નશીલો પદાર્થ

મુંબઇ તા. ૪ : એનસીબીએ ક્રૂઝમાં રેવ પાર્ટી કરનારાઓ સામે કાર્યવાહી કર્યા બાદ તપાસમાં જણાયું હતું કે નશીલો પદાર્થ કોઈની નજરે ન ચડે એ માટે આયોજકોએ જડબેસલાક પ્લાન કર્યો હતો. એનસીબીના બાવીસ જેટલા અધિકારીઓએ રવિવારે રાત્રે ક્રૂઝમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં સામેલ લોકોની તપાસ કરતાં તેમની પાસેથી કોકેન, હશિશ અને એમડી જેવાં ડ્રગ્સ મળી આવ્યાં હતાં. આ ડ્રગ્સ શર્ટના કોલર, અન્ડર-ગાર્મેન્ટ્સ, મહિલાઓના પર્સના હેન્ડલ અને બેલ્ટમાં છુપાવવામાં આવ્યાં હતાં. અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યનની કોન્ટેકટ લેન્સની ડબ્બીમાંથી ડ્રગ્સ હાથ લાગ્યું હોવાનું કહેવાય છે.

એનસીબીના અધિકારીના જણાવ્યા મુજબ મધદરિયે ક્રૂઝમાં રેવ પાર્ટીનું આયોજન પોલીસ અને તપાસ એજન્સીથી બચવા માટે જડબેસલાક રીતે કરવામાં આવ્યું હતું. ક્રૂઝમાં દાખલ થતી વખતે કોઈને શંકા ન જાય એવી રીતે ડ્રગ્સને શર્ટના કોલરમાં સિલાઈ કરીને, અન્ડર-ગાર્મેન્ટ્સમાં અને મહિલાઓના પર્સના હેન્ડલની અંદર તેમ જ બેલ્ટમાં છુપાવવામાં આવ્યું હતું. સ્વાભાવિક છે કે જેમની પાસેથી આ નશીલા પદાર્થ હાથ લાગ્યા છે તેઓ આ વિશે જાણતા હોય અને આયોજકોએ ડ્રગ્સ છુપાવવા માટે પૂરતી તૈયારી કરીને રેવ પાર્ટીનો પ્લાન બનાવ્યો હોવાનું કહી શકાય.

એનસીબીએ રેવ પાર્ટીમાં સામેલ શંકાસ્પદોની ૧૦ કલાક સુધી પૂછપરછ કરીને તેમની પાસેથી ૩૦ ગ્રામ ચરસ, ૨૦ ગ્રામ કોકેન, ૨૦ ગ્રામ ટેબ્લેટ્સ અને ૧૦ ગ્રામ એમડી જપ્ત કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

(10:35 am IST)