Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

રશિયામાં હજારો પક્ષીઓના રહસ્યમય મોતથી ફફડાટ

એક નવું વાયરલ સંક્રમણ જવાબદાર હોઈ શકે : રશિયાના ક્રીમિયામાં અજોવ સાગરના કિનારે અરાબત સ્પિટ પર મરેલા પક્ષીઓની કતારો જોવા મળી રહી છે

મોસ્કો, તા.૩ : મરેલા પક્ષીઓની કેટલીક તસવીરો હાલમાં સોશ્યિલ મીડિયા પર ફરી રહી છે, જે લોકોને હચમચાવી રહી છે. ક્રીમિયામાં અજોવ સાગરના કિનારે અરાબત સ્પિટ પર મરેલા પક્ષીઓની કતારો જોવા મળી રહી છે.

દરિયા કિનારા પર ઓછામાં ઓછા ૭ હજાર કાળી ગરદનવાળા ગ્રીબ્સ, દરિયાઈ કબૂતર અને સ્કૂઆ મૃત મળી આવ્યા છે. ક્રીમિયન ફેડરલ યુનિવર્સિટીના ગ્રિગોરી પ્રોકોપોવએ કહ્યું કે, અમે મોટી સંખ્યામાં પક્ષીઓના મોત નોંધ્યા છે, જેનો આંકડો હજારોમાં છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, એક નવું વાયરલ સંક્રમણ મોટા પ્રમાણમાં પક્ષીઓના મોતનું કારણ હોઈ શકે છે. વિડીયોમાં એક પક્ષીને ગોળ-ગોળ ફરતું જોવા મળ્યું હતું, જેનું ચેતાતંત્ર ખરાબ થઈ ચૂક્યું હતું. પ્રોકોવોવે કહ્યું કે, તેની કોઈ શક્યતા નથી કે, આ પક્ષી ઝેરથી મર્યા છે. તેમણે કહ્યું કે, તેઓ એક પક્ષીના વ્યવહારની તપાસ કરવામાં સફળ થયા હતા, જે બીમાર હતું અને બાદમાં મરી ગયું.

પ્રોકોવોવે જણાવ્યું કે, પક્ષીઓના કેન્દ્રીય ચેતાતંત્રને નુકસાન પહોંચી રહ્યું છે. સૌથી વધુ શક્યતા છે કે, તે કોઈ પ્રકારનો વાયરલ હોઈ શકે છે. પરંતુ, પશુ ચિકિત્સકો તપાસ કરે તે પછી જ સાચું કારણ જાણી શકાશે. સંક્રામક રોગના કારણ માટે તેમણે 'ઝેર અને ઈકોલોજિકલ સિચુએશન' બંનેની શક્યતા વ્યક્ત કરી.

સ્થાનિક લોકોએ પક્ષીઓના મોત માટે ક્ષેત્રમાં વધેલા પ્રદૂષણને જવાબદાર ગણાવ્યું છે. આ પહેલા રિપોર્ટસે વિસ્તારમાં ઉચ્ચ સ્તરના મરક્યૂરીનો સંકેત આપ્યો હતો. ફેડરલ સેન્ટર ફોર એનિમલ હેલ્થના તજજ્ઞો સ્થળ પર પહોંચી તપાસ કરી રહ્યા છે.

(12:00 am IST)