Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

અયોધ્યા કેસ : સુપ્રીમે મહેતલ એક દિવસ માટે ઓછી કરી છે

બંન્ને પક્ષોને ૧૭મી સુધી દલીલો પૂર્ણ કરવી પડશે : ૧૮ ઓક્ટોબરના બદલે હવે ૧૭મી સુધીમાં દલીલો પૂર્ણ કરવાની રહેશે : ચુકાદાને લખવામાં ૪ સપ્તાહ લાગી શકે

નવી દિલ્હી, તા. ૪ : અયોધ્યા જમીન મામલામાં સુનાવણીની તારીખ આજે સુપ્રીમ કોર્ટે એક દિવસ ઘટાડી દીધી હતી. સુપ્રીમ કોર્ટે એક દિવસનો સમય ઘટાડીને તમામ પાર્ટીઓને ચર્ચા ૧૭મી ઓક્ટોમ્બર સુધી પુર્ણ કરવા માટેના આદેશ જારી કર્યા છે. કોર્ટે સુનાવણીનો દિવસ એક દિવસ ઘટાડીને તમામ પક્ષોને કહ્યું છે કે, કોર્ટની સુચનાને પાળવામાં આવશે  તેવી આશા તેઓ રાખે છે. ૧૭મી સુધીમાં પોતાના તર્ક રજુ કરવા માટે તમામને કહેવામાં આવ્યું છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈના નેતૃત્વમાં બંધારણીય બેંચ આ મામલામાં સુનાવણી કરી રહી છે. ચીફ જસ્ટીસની અવધી ૧૭મી નવેમ્બર પૂર્ણ થઈ રહી છે. અયોધ્યાના મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા સતત સુનાવણી કરવામાં આવી રહી છે. હિન્દુ પક્ષકારોએ ૧૬ દિવસની દલીલો રજુ કરી દીધી છે. હવે મુસ્લિમ પક્ષો તરફથી દલીલો કરવામાં આવી રહી છે. ૧૭મી ઓક્ટોબર સુધી તમામ પક્ષોની દલીલોને પૂર્ણ કરવામાં આવનાર છે. ત્યારબાદ જજોને ચાર સપ્તાહનો સમય મળશે. જેથી ચુકાદો લખી શકાશે.

     આ પહેલા વધારે સમયની મુસ્લિમ પક્ષની માગણીને ચીફ જસ્ટીસે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, ૧૮મી ઓક્ટોમ્બર સુધી સુનાવણી પરીપૂર્ણ થઈ જાય તેવા પ્રયાસો કરવા જોઈએ. જરૂર પડશે તો સુનાવણી માટેનો સમય દરરોજ એક કલાક વધારી શકાય છે. જરૂર પડશે તો શનિવારના દિવસે પણ સુનાવણી થઈ શકશે. અયોધ્યા મામલામાં સુનાવણી દરરોજ ચાલી રહી છે જેથી વહેલી તકે ચુકાદાની આશા જાગે છે. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને સોશિયલ મીડિયા ઉપર મળી રહેલી ધમકીઓનો ઉલ્લેખ કર્યો છે. ત્યાર બાદ ચીફ જસ્ટીસે કોર્ટમાં કહ્યું હતું કે, તમામ પક્ષોએ કોઈ પણ ભય વગર પોતાના રજુઆત કોર્ટમાં કરવી જોઈએ. અયોધ્યા મામલામાં તર્કદાર દલીલો તમામ પક્ષો તરફથી કરવામાં આવી રહી છે. હજુ આ દલીલો થોડાક દિવસ સુધી ચાલનાર છે.

(8:10 pm IST)