Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ચીનમાં MBBS કરવાના અભરખા મોંઘા પડયા : ૨૦૦ છાત્રો છેતરાયા

મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માન્યતાના અભાવે રઝડયા : ફી પાછી મળે તો દેશમાં પરત ફરી શકાય તેવી લટકી પડેલી હાલત : રાજસ્થાન સહીત ૯ રાજયના ભાવી તબીબોની કારકીર્દી બની અધ્ધરતાલઃ જે તે સમયે એમ.સી.આઇ.ની વેબસાઇટ પર માન્યતા બતાવાઇ હતી : ફરી રજીસ્ટ્રેશનનો મામલો આવતા મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માન્યતા મુરી થઇ ગયાનું જાહેર થયુ : એમબીબીએસના બદલે ચીની મેડીસીનની ડીગ્રીથી સંતોષ માનવો પડે તેવી વિદ્યાર્થીઓની હાલત

રાજકોટ તા. ૪ : વિદેશમાં એમ.બી.બી.એસ. કરવા જવાના અભરખા મોંઘા પડયા હોય તેમ ચીનમાં તબીબી અભ્યાસ અર્થે ગયેલા રાજસ્થાન સહીત નવ રાજયોના ૨૦૦ થી વધુ છાત્રોનું ભાવી અધ્ધરતાલ બની ચુકયુ છે.

ચીનની એક વિશ્વ વિદ્યાલયમાં એમ.બી.બી.એસ. કરવા માટે આ વિદ્યાર્થીઓ વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮ ની બેચમાં જોડાયા હતા. જયારે પ્રવેશ મેળવ્યો ત્યારે તો આ વિશ્વ વિદ્યાલયને મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માન્યતા બતાવવામાં આવી હતી. પરંતુ આ માન્યતા હવે પુરી થઇ જતા આગળના અભ્યાસ માટે વિદ્યાર્થીઓ રઝળી પડયા છે.

વતન પરત આવવા માટે પણ મોટી વિટંબણા સર્જાઇ છે. ભરેલી તગડી ફી ની રકમ પરત મળે તો પાછા ફરી શકાય તેવી વિમાસણમાં આ તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓ મુકાય ગયા છે.

દુતાવાસનો સંપર્ક કરવામાં આવતા તેણે ઉંચા હાથ કરી દઇ એવું જણાવી દીધુ કે તમારા જોખમે તમે પ્રવેશ મેળવ્યો છે તો તમારા જોખમે આગળનો અભ્યાસ કરવો હોય તો કરો.

૬ થી ૮ લાખનો ખર્ચ કરી ચુકેલા આ વિદ્યાર્થીઓને ચીની વિશ્વ વિદ્યાલયે સ્પષ્ટ કહી દીધુ છે કે આગળ અભ્યાસ ચાલુ રાખવો હોય તો રાખો પરંતુ અભ્યાસક્રમ અંગ્રેજીમાં નહીં હોય.

આમ બુરેફસે જેવી હાલત ચીનમાં એમ.બી.બી.એસ. કરવા ગયેલા વિદ્યાર્થીઓની થઇ છે. આ વિદ્યાર્થીઓના વાલીઓએ બળાપો ઠાલવતા જણાવ્યુ છે કે જયારે પ્રવેશ મેળવવાનો હતો ત્યારે અમે વેબસાઇટ ચેક કરી હતી. ત્યારે તો આ વિશ્વ વિદ્યાલયને એમ.સી.આઇ.ની વેબસાઇટ પર માન્યતા દર્શાવવામાં આવતી હતી. બાદમાં હવે ફરી રજીસ્ટ્રેશનનો મામલો આવ્યો ત્યારે ભારતની એમ.સી.આઇ. વેબસાઇટ પર તેની માન્યતા બતાવવામાં આવતી નથી. હવે વિશ્વ  વિદ્યાલયે કલીનીકલ મેડીસીનની ડીગ્રી દેવાની વાત ઉચ્ચારી છે.

આમ એમ.બી.બી.એસ.ની ડીગ્રીને બદલે ચીની મેડીસીનની ડીગ્રીથી સંતોષ માનવો પડે તેવી હાલત આ વિદ્યાર્થીઓની બની છે.

(11:29 am IST)