Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

અેક વર્ષમાં ટ્રેનમાંથી ૮૧૭૩૬ ચાદર, પપપ૭૩ તકિયાના કવર, પ૦૩૮ તકિયા, ૭૦૪૮ કંબલની ચોરી

મુંબઈ: તમે જ્યારે ટ્રેનની મુસાફરી કરો ત્યારે રેલવે સ્ટેશન પર આ જાહેરાત સાંભળી હશે, રેલવે તમારી સંપત્તિ છે. આંકડા પર નજર કરશો તો તમને સમજાશે કે અમુક લોકોએ આ વાતને ગંભીરતાથી લઈ લીધી છે અને તે ટ્રેનની વસ્તુઓને પોતાની સંપત્તિ સમજીને પોતાની સાથે લઈ જાય છે. પશ્ચિમ રેલવે તરફથી જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે, તે અનુસાર પાછલા નાણાંકીય વર્ષમાં 1.95 લાખ ટુવાલ લાંબા અંતરની ટ્રેનોમાં ચોરી કરવામાં આવ્યા છે. આટલુ જ નહીં, 81736 ચાદરો, 55573 તકિયાના કવર, 5038 તકિયા અને 7043 કંબલ પણ ચોરી કરવામાં આવ્યા છે.

આ સિવાય 200 ટોઈલેટ મગ, 1000 નળ અને 300થી વધારે ફ્લશ પાઈપ પણ દર વર્ષે ચોરી થાય છે. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુનીલ ઉદાસી જણાવે છે કે એપ્રિલથી સપ્ટેમ્બર 2018 દરમિયાન 79350 ટુવાલ, 27545 ચાદરો, 21050 તકિયાના કવર, 2150 તકિયા અને 2065 કંબલ ચોરી કરવામાં આવ્યા જેની કુલ કિંમત લગભગ 62 લાખ આંકવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ બાંદ્રાથી ટ્રેનમાં ચઢનારા રતલામના એક વ્યક્તિને 3 કંબલ, 6 ચાદરો અને 3 તકિયાની ચોરી કરવા બદલ અરેસ્ટ કરવામાં આવ્યો. પ્રાપ્ત જાણકારી અનુસાર, પાછલા 3 નાણાંકીય વર્ષમાં ભારતીય રેલવેને 4000 કરોડનું નુકસાન થયું છે જેનુ મોટું કારણ ચોરી છે. ઉલ્લેખનીય છે કે, ચાદર અને અન્ય વસ્તુઓના નુકસાનની ભરપાઈ કોચ અટેન્ડન્ટએ કરવાની હોય છે, જ્યારે બાથરુમના સામાનની ભરપાઈ રેલવેએ કરવાની હોય છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, પ્રત્યેક બેડશીટની કિંમત 132 રુપિયા, ટુવાલની 22 રુપિયા, તકિયાની 25 રુપિયા હોય છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર, અનેક ટ્રેનોમાં સેન્સર ટેપ અને સીસીટીવી જેવી સુવિધાઓ હોય છે, પરંતુ તે એક જર્ની સુધી પણ નથી ટકી શકતી. રેલવે આ સેવાઓના સસ્તા વિકલ્પનો ઉપયોગ કરે છે.

(5:28 pm IST)