Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ભૂમિપૂજન કાર્યક્રમના મુખ્ય યજમાનપદે અશોક સિંઘલના ભત્રીજા સલિલ સિંઘલ

બધા આમંત્રણ કાર્ડ પર હશે કયુઆર કોડ

અયોધ્યાઃ રામલલ્લા ભૂમિપૂજનના મુખ્ય યજમાન સલિલ સિંઘલ હશે, જે રામમંદિર આંદોલનમાં સક્રિય ભૂમિકા નિભાવનાર અશોક સિંઘલના ભત્રીજા છે. કાર્યક્રમના મંચ પર વડાપ્રધાન મોદી, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, રાજયપાલ આનંદીબેન પટેલ, ટ્રસ્ટના પ્રમુખ નૃત્યગોપાલદાસ અને આરએસએસના પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહેશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં કાર્યક્રમની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કાર્યક્રમ દરમ્યાન સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક રહેશે. કાર્યક્રમ સ્થળે જેને નિમંત્રણ મોકલાયું હોય તે વ્યકિત જ આવી શકશે. તેમણે જણાવ્યું કે નિમંત્રણ પત્ર પર એક કયુઆર કોડ છે જેને સ્કેન કર્યા પછી જ કાર્યક્રમમાં આવવાની પરવાનગી મળશે અને તે કોડ ફકત એક જ વાર કામ કરશે. નિમંત્રણ પત્ર વડે બે વાર પ્રવેશ નહીં થઈ શકે. મોબાઈલ લાવવાની પરવાનગી નહીં હોય. ચંપત રાયે કહ્યું કે નિમંત્રણ મેળવનાર દરેક વ્યકિતએ ૧૦:૩૦ પહેલા આવી જવાનું ફરજીયાત છે. ત્યાર પછી કોઈને પણ કોઈ પણ કિંમતે પ્રવેશ નહીં મળે. કાર્યક્રમ બે વાગ્યે પુરો થઈ જશે. કાર્યક્રમના સ્થળે કેમેરા કે કોઈપણ ઈલેકટ્રોનિક ઉપકરણ નહીં લઈ જઈ શકાય. કોઈપણ વાહન માટેના પાસ બહાર નથી પડાયા. મહેમાનોએ રંગમહેલ બેરીયર પર જ ઉતરવું પડશે. ગાડીઓનું પાર્કિંગ અમાવા મંદિરમાં રાખવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે કાર્યક્રમમાં ૧૭૫ મહેમાનો સહિત ૨૦૦ લોકો હશે. ૧૩૫ સંતોને આમંત્રણ કાર્ડ મોકલાયા છે જેમાં નેપાળના કેટલાક સંતો પણ સામેલ છે.

(4:10 pm IST)