Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

સુશાંતના ખાતામાંથી ૫૦ કરોડ રૂપિયા ઉપાડાયા છે તે અંગે મુંબઇ પોલીસ કેમ ચૂપ?

બિહારના પોલીસ વડાનો વેધક સવાલ

પટણા તા. ૪ : સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ અને બિહાર પોલીસ વચ્ચેની ચકમક વધારે તેજ થઈ રહી છે. હવે બિહાર પોલીસના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેયે મુંબઈ પોલીસને એક સવાલ કર્યો છે કે તેમણે સુશાંત કેસની તપાસ દરમિયાન તેના રૂપિયાને લઈને તપાસ કેમ નથી કરી. પાંડે એ અધિકારીઓમાંથી એક છે જેઓ ખુલીને અને સ્પષ્ટ રીતે પોતાની વાત રજૂ કરી રહ્યા છે.

ડીજીપીએ પોતાની નારાજગી દર્શાવીને મીડિયાને કહ્યું કે, 'પાછલા ૪ વર્ષમાં સુશાંતના અકાઉન્ટમાં લગભગ ૫૦ કરોડ રુપિયા આવ્યા અને આશ્ચર્યની વાત એ છે કે તે તમામ રુપિયા ઉપાડી પણ લેવાયા. એક વર્ષમાં તેના અકાઉન્ટમાં ૧૭ કરોડ રૂપિયા આવ્યા અને ૧૫ કરોડ નીકળી લેવાયા. શું આ તમામ માટે મહત્વનો મુદ્દો નથી? અમે ચૂપ બેસવાના નથી. અમે મુંબઈ પોલીસને સવાલ કરીશું કે કઈ રીતે મહત્વના મુદ્દાને દબાવવામાં આવી રહ્યા છે.'

પાછલા રવિવારે બિહાર પોલીસની તપાસ ટીમનું નેતૃત્વ કરવા માટે પટના સીટી બિનય તિવારી મુંબઈ પહોંચ્યા હતા અને તેમને જબરજસ્તી કોરન્ટાઈન કરા હતા, જેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. તેમણે કહ્યું, 'આ કેસ સાથે જોડાયેલા પૂરાવા કે પોસ્ટમોર્ટમ અથવા ફોરેન્સિક રિપોર્ટ્સ જેવી વસ્તુઓ અમને આપવાની જગ્યાએ મુંબઈ પોલીસે તેને મોટાભાગે હાઉસ અરેસ્ટ કરી લીધા. મેં આ પ્રકારનો અસહયોગ કોઈ અન્ય રાજય પોલીસમાં નથી જોયો. જો મુંબઈ પોલીસ કેસની તપાસને લઈને પ્રામાણિક હોત તો તે અમારી તપાસ ટીમ સાથે માહિતી શેર કરતી.'સુશાંત કેસમાં મુંબઈ પોલીસની તપાસ પર બિહાર પોલીસે ઘણાં સવાલ ઉભા કર્યા છે, જે બાદ મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહે મીડિયા સાથે વાત કરી અને પોતાની ટીમને તપાસમાં સહયોગ આપવા માટે પ્રોફેશનલ ગણાવી છે.સુશાંતના પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી સહિત ૬ લોકો સામે તેમના દીકરાને કથિત રીતે 'આત્મહત્યા માટે ઉશ્કેરવા' મામલે મંગળવારે પટના કેસ નોંધાવ્યો હતો. જે પછી બિહાર પોલીસની ચાર સભ્યોની ટીમ તપાસ માટે બુધવારે મુંબઈ પહોંચી. આ ટીમનું નેતૃત્વ કરવા માટે પટના સીટી એસપી બિનય તિવારી પણ રવિવારે મુંબઈ પહોંચ્યા હતા. જોકે, તેમને કોરન્ટાઈન કરાયા છે અને તેઓ વીડિયો કોન્ફરન્સથી પોતાની ટીમના સંપર્કમાં રહીને કામ કરી રહ્યા છે.

(3:52 pm IST)