Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

જય શ્રી રામ....

ઐતિહાસિક રથયાત્રાની યાદગાર ક્ષણ....

લખનઉ : અયોધ્યામાં આવતીકાલે નવો અધ્યાય આલેખાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રામ મંદિરના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન આવતીકાલે કરનાર છે. આવતીકાલનો દિવસ ભારતીય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. ૧૯૯૦માં શ્રી લાલ કૃષ્ણ અડવાણી સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા કાઢી હતી જેની થોડી યાદો અહિં પ્રસ્તુત છે.

જયારે લાલુ પત્રકાર બન્યા

પટનામાં અડવાણી મોડી રાત્રે સમસ્તીપુરના સરકીટ હાઉસ પહોંચ્યા હતા. મોડી રાત્રે બે વાગ્યે લાલુ યાદવે પત્રકાર બની સરકીટ હાઉસમાં ફોન કર્યો. ફોન અડવાણીના સહયોગીએ ઉપાડ્યો હતો. દેશના બાકી ભાગોમાં ટેલીફોન લાઈનનો સંપર્ક કાપી નાખવામાં આવેલ. સવારે ૬ વાગ્યે પ્રશાસનીક અધિકારી આર.કે.સિંહ જે હાલ ભાજપના સાંસદ અને કેન્દ્રમાં મંત્રી છે. અડવાણી અને પ્રમોદ મહાજનની ધરપકડ કરી લેવામાં આવી અને તંત્ર દ્વારા રથને પણ જપ્ત કરી લેવામાં આવેલ.

સોમનાથ મંદિરે સવા મણ દૂધનો અભિષેક કરવામાં આવેલ : નીજ મંદિરને કેરીના ઝાડના પાન, નારીયલ અને કેળાના ઝાડનો શણગાર

રથયાત્રાની સફળતા માટે સોમનાથ મહાદેવને સવા મણ દૂધનો અભિષેક કરવામાં આવેલ. કેરીના પાંદડાનું તોરણ, નારીયલ, કેળાના પાનથી સજાવટ કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવ મંદિર સુધીના માર્ગ ઉપર શણગાર કરવામાં આવેલ. રથયાત્રા માટે ૨૪ માઈક લગાવવામાં આવ્યા હતા. જુદા - જુદા માર્ગો ઉપર પોસ્ટર પણ લગાવાયા હતા. પ્રભાસપાટણના બ્રાહ્મણ શ્રી નાનુભાઈ પ્રચ્છક જણાવે છે કે રથયાત્રા અને રામ મંદિર સંકલ્પની સફળતા માટે તેઓએ ૧૧ બ્રાહ્મણો સાથે યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞમાં અડવાણીજી પણ બેઠા હતા. ગ્વાલીયરના તત્કાલીન સાંસદ વિજયારાજે સિંધિયા પણ ઉપસ્થિત હતા.

મહારાષ્ટ્રમાં સમર્થન અને વિરોધ

રથયાત્રા થાણે, મુંબઈ, પુના થઈ નાગપુરમાંથી નીકળી ત્યારે શિવસેના, વિ.હી.પ., બજરંગદળ અને આર.એસ.એસ. એ તેનું પુરૂ સમર્થન કર્યુ હતું. અમુક સંગઠનોએ રથયાત્રાનો વિરોધ કર્યો હતો. મુંબઈ અને સોલાપુરમાં કાળાવાવટા ફરકાવવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્ર - ગુજરાતના અમુક વિસ્તારોમાં હિંસા ભડકી હતી

અમદાવાદ સહિત વડોદરા, આણંદ અને સુરતમાં હિંસા ભડકી હતી. અડવાણીની  ધરપકડ બાદ ભારે હિંસા થઈ હતી. વડોદરામાં ગણપતિ વિસર્જન દરમિયાન પણ અથડામણો જોવા મળી હતી. સુરતમાં પણ એકાદ બે જગ્યાએ બનાવો બન્યા હતા. અડવાણીની ધરપકડ બાદ સૌરાષ્ટ્ર સહિત રથયાત્રાના રૂટવાળા વિસ્તારોમાં હિંસા જોવા મળી હતી.

પ્રથમ આમંત્રણ ભગવાન ગણેશજીને અને બીજુ ઈકબાલ અંસારીને

 આવતીકાલે બપોરે ૧૨:૩૦ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે રામ મંદિરનું શિલાન્યાસ.

 ૧૭૫ મહેમાનોને અપાયુ છે આમંત્રણ, કોરોનાના લીધે સોશ્યલ ડિસ્ટન્સીંગ.

 ૯૦ વર્ષથી વધુ વયના વડીલોને આમંત્રણ નહીં. અડવાણીજી ૯૨ વર્ષના છે.

 ૧૭૫ મહેમાનો કે જેઓ મુખ્ય હોદ્દા ઉપર છે અને મંદિર સાથે જોડાયેલા છે. તેઓને જ આમંત્રણ.

 ૪ લોકો જ મંચ ઉપર રહેશે. ભાગવતજી, રાજયપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસ.

રથમાં સૂર્યવંશીનું પ્રતિક અને ગીરના સિંહોની તસ્વીર

એ.સી. રથના ડ્રાઈવર મુંબઈ ભાજપના કાર્યકર સલીમ મકરાણી હતા. મુંબઈમાં જ બનાવવામાં આવેલ આ રથને રામાયણના કાલખંડમાં દર્શાવવામાં આવેલ રથનો આકાર આપવામાં આવેલ. રથ ઉપર સૂર્યવંશી પ્રતિક સૂર્ય અંકિત અને ગીરના સિંહોની તસ્વીરો હતી. રામ મંદિરનું મોડલ પણ દર્શાવાયુ હતું.

ઉદયપુરમાં લોકો ઉમટી પડેલા

ઉદયપુર : નેતા ગુલાબચંદ કટારીયા જણાવે છે કે યાત્રા ઉદયપુર પહોંચી ત્યારે સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા : લોકોમાં ખૂબ ઉત્સાહ હતો : માઉન્ટઆબુ, સિરોહી, ઉદયપુર, નાથદ્વારા, રાજસમંદ થઈ અજમેર જિલ્લામાં બ્યાવર પહોંચી હતી. ત્યારબાદ અજમેરમાં પરબતપુરા સ્થિત પર્બતેશ્વર મહાદેવ મંદિર થઈ કેસરગંજ પહોંચી હતી.

જયારે અમાનુલ્લાએ અડવાણીની ધરપકડ કરવાની ના પાડી દીધી

લાલુપ્રસાદ યાદવના ધનબાદના તત્કાલીન ઉપાયુકત અફઝલ અમાનુલ્લાહએ નિર્દેશ આપ્યો કે અડવાણીની ધરપકડ કરો. રાસુકામાં વોરંટ પણ આપી દેવાયુ. પરંતુ અમાનુલ્લાહે ના પાડી દીધી. અમાનુલ્લાહ બાબરી મસ્જિદ એકશન કમીટીના સંયોજક સૈયદ શહાબુદ્દીનના જમાઈ હતા. તેઓને લાગ્યુ કે તેઓના આ પગલાથી ખોટો સંદેશ જઈ શકે છે અને વાતાવરણ તંગ બનશે. ૨૩ ઓકટોબર ૧૯૯૦ના અડવાણીની પટનામાં રેલી હતી.

(3:47 pm IST)