Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાજસ્થાની લૂકમાં જોવા મળ્યા રાજસ્થાનના IAS અધિકારી મોનિકા યાદવ

મોટા અધિકારી હોવા છતાં પોતાની પરંપરા જાળવી રાખતા તેમના પરિવારને તેમના પર ગર્વ

જયપુર તા. ૪ : પોલીસ અધિકારીઓ તમને ભાગ્યે જ પરંપરાગત પોશાકમાં જોવા મળશે. પરંતુ રાજસ્થાનના એક IAS અધિકારીનો રાજસ્થાની લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આટલા મોટા પદ પર હોવા છતાં અધિકારીએ પોતાની પરંપરા જાળવી રાખતાં તેમના પરિવારને તેમના પર ગર્વ છે.

આમ તો પોલીસ અધિકારીઓ પોતાના ડ્રેસ કોડમાં જ જોવા મળે છે પરંતુ રાજસ્થાનના એક મહિલા IAS અધિકારી મોનિકા યાદવનો દેશી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મોનિકા યાદવના પતિ પણ ઉદયપુરના રાજસમંદ જિલ્લામાં IAS તરીકે સેવા આપી રહ્યા છે. હાલમાં જ એક દીકરીના માતા બનેલા મોનિકા યાદવ મેટરનિટી લીવ પર છે.

દીકરીને લઈને ટ્રેડિશનલ રાજસ્થાની પોશાકમાં જોવા મળેલા મોનિકા યાદવની તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. સીકર જિલ્લાના શ્રીમાઘોપુર તહસીલના લિસાડિયા ગામના વરિષ્ઠ આરએસએસ અધિકારી હરફૂલસિંહ યાદવની દીકરી મોનિકાએ ૨૦૧૭માં સિવિલ સર્વિસ એકઝામ આપી હતી અને ૪૦૩મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો. બાદમાં તેમની પસંદગી ભારતીય રેલવે સેવા માટે થઈ હતી. પિતા અધિકારી અને પોતે પણ ઉચ્ચ સરકારી સેવામાં હોવા છતાં મોનિકા યાદવે રાજસ્થાની પરંપરાને છોડી નહીં અને આજે પણ તેઓ તેને બખૂબી નિભાવી રહ્યા છે. જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી બની ચૂકયા છે.

મોનિકા યાદવના લગ્ન પણ IAS અધિકારી સુશીલ યાદવ સાથે થયા છે, જે હાલ ઉદયપુરના સંભાગના રાજસમંદમાં તૈનાત છે. IAS સુશીલનું કહેવું છે કે, આ તસવીર તે સમયની છે જયારે મોનિકાએ દીકરીનો જન્મ આપ્યો હતો. મોનિકાને સામાજિક પરંપરાથી ખૂબ લગાવ છે. તેઓ સામાજિક પરંપરાઓની પ્રચાર-પ્રસારની સાથે સારી પરંપરા સાથે લોકોને જોડવા માટેના કામ પણ કરે છે. જો કે, તેમને એટલો અંદાજો નહોતો કે મોનિકાનો દેશી અંદાજનો ફોટો આટલો વાયરલ થઈ જશે.

IAS અધિકારી સુશીલ યાદવનું કહેવું છે કે, સોશિયલ મીડિયા પર મળી રહેલી પ્રશંસાથી ગ્રામીણ સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે, જે સારી વાત છે. તેમનું કહેવું છે કે, જયારે મોનિકા ગામડે જાય છે ત્યારે આ અંદાજમાં જ રહે છે. જેના કારણે માત્ર તેમના પરિવારને જ નહીં પરંતુ ગ્રામજનોને પણ તેમના પર ગર્વ થાય છે.

મોનિકા યાદવનું કહેવું છે કે, ભલે કોઈ વ્યકિત ભણી-ગણીને અથવા પૈસા કમાઈને ભલે ગમે એટલી મોટી વ્યકિત થઈ જાય પરંતુ પોતાની સંસ્કૃતિને ન ભૂલવી જોઈએ. તેમનું તેવું પણ માનવું છે કે, ઉપરથી સંસ્કૃતિને જાળવી રાખવી તે મોટા લોકોની જવાબદારી બની જાય છે.

(3:46 pm IST)