Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રામ મંદિર ‘ભૂમિ પૂજન’નું મુહૂર્ત બતાવનાર પૂજારીને મળી ધમકી

ધમકી બાદ પૂજારીના ઘરની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત

નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે ભૂમિ પૂજન કરવા માટે શુભ મુહૂર્ત  નક્કી કરનારા પૂજારી વિજયેન્દ્રને ફોન પર ધમકીઓ મળી રહી હોવાના સમાચાર સામે આવ્યા છે. જે બાદ કર્ણાટકના બેલગાવીમાં વિજયેન્દ્રના ઘરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, બેલગાવીના શાસ્ત્રીનગરમાં રહેતા પૂજારી વિજયેન્દ્રને ધમકી મળ્યા બાદ પોલીકે કેસ દાખલ કરી લીધો છે. હાલ તેમના ઘર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્યએ જણાવ્યું કે, આ ગંભીર ચિંતાનો વિષય છે. જે પૂજારી મુહૂર્ત નક્કી કરે છે, તેમને પણ એવા લોકો દ્વારા ટારગેટ કરવામાં આવી રહ્યાં છે, જેઓ નથી ઈચ્છતા કે અયોધ્યામાં મંદિરનું નિર્માણ થાય.

આ મામલે પૂજારી વિજયેન્દ્રએ જણાવ્યું કે, એક કૉલરે તેમને પૂછ્યું કે, તેમણે ભૂમિ પૂજનની તારીખ નક્કી કેમ કરી? તમે આ બધી બાબતોમાં કેમ પડવા માંગો છો?

જેનો જવાબ આપતા મેં કહ્યું હતુ કે, આયોજકોએ મને ભૂમિ પૂજન માટે શુભ તારીખ જણાવવા માટે આગ્રહ કર્યો હતો. જે મેં તેમને જણાવ્યો છે. ફોન કરનારા પોતાનું નામ નથી જણાવ્યું, પરંતુ અલગ-અલગ નંબરો ઉપરથી કૉલ આવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવાર એટલે કે આજથી હનુમાન ગઢીમાં હનુમાન જીના નિશાનની પૂજા કરવામાં આવશે. આ સાથે જ રામ જન્મભૂમિના ગર્ભગૃહ સ્થળ પર પણ રામાર્ચા પૂજન થશે. આ ઉપરાંત સરયૂ નદીની પણ પૂજા કરવામાં આવશે.

અયોધ્યામાં મુખ્યપૂજા 5 ઓગસ્ટના રોજ નક્કી કરાયેલા શુભ મુહૂર્ત પર વડાપ્રદાન મોદી દ્વારા જ કરાવવામાં આવશે. આ મુહૂર્ત માત્ર 32 સેકેન્ડનું જ છે. જે બપોરે 12 વાગ્યે 44 મિનિટ અને 8 સેકન્ડથી લઈને 12 વાગ્યે 44 મિનિટ અને 40 સેકન્ડ વચ્ચેનું છે.

 વિજયેન્દ્ર છેલ્લા કેટલાક વર્ષોથી રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા રહ્યાં છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે મંદિર નિર્માણ કાર્યના શુભારંથ માટે મુહૂર્ત નક્કી કરવાનું કહેવામાં આવ્યું હતુ. જો કે કોરોના પ્રોટોકોલના કારણે તેઓ ભૂમિપૂજનના કાર્યક્રમમાં સામેલ નહીં થઈ શકે. અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજનનો કાર્યક્રમ બુધવારે યોજાશે. જેમાં ખુદ વડાપ્રધાન મોદી સામેલ થવાના છે.

(1:16 pm IST)