Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

૩૬ આધ્યાત્મિક પરંપરાના સંતોને નિમંત્રણ

૯૦ વર્ષની ઉપરનાને બાકાત રખાયાઃ અડવાણી અને કલ્યાણ સિંઘને હાજર નહિ રહેવા મનાવી લેવાયા

અયોધ્યાઃ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત  રાયે કહ્યું છે કે ૫ ઓગષ્ટના રામ જન્મભૂમિ શિલાન્યાસના ઐતિહાસીક પ્રસંગે ઉપસ્થિત રહેવા ભારતની ૩૬ આધ્યાત્મિક પરંપરાઓના ૧૩૫ સંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે.

મહાત્મા સંતો મળીને લગભગ પોણા બસ્સો જેટલા લોકોને રામ જન્મભૂમિ શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવાયા છે.

અમે રામજન્મભૂમિ કેસના એક પક્ષકાર શ્રી ઇકબાલ અંસારીને પણ આમંત્રણ મોકલ્યું છે. જેમણે આ પ્રસંગે હાજર રહેશે તેવી જાહેરાત સાથે કહ્યું છે કે તેઓએ અવાર નવાર મંદિર મઠોની મુલાકાત લીધી છે.

ઉપરાંત સેંકડો બીનવારસુ મૃતદેહોના તેમના તેમના ધર્માનુસાર અંતિમ સંસ્કાર કરવા સબબ જેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કરાયા છે તેવા શ્રી મોહમ્મદ શરીફને પણ નિમંત્રણ અપાયું છે.

ગુજરાતમાંથી લગભગ પોણો ડઝન ઉપરાંત સંતો-મહંતોને નિમંત્રણ મોકલાયા છે. જેમાં વિવિધ સંપ્રદાયોનો સમાવેશ થાય છે.  જેમનું સમગ્ર જીવન રામકથા પાછળ સમર્પીત છે. તેવા પ્રખર રામાયણી-કથાકાર પુજય મોરારીબાપુને હજુ સુધી નિમંત્રણ નહિ મળતા લાખો ભાવિકોમાં કચવાટ પ્રસર્યો છે.

શિલાન્યાસ પ્રસંગે ૯૦ વર્ષથી ઉપરની વયના લોકોને આમંત્રણ નથી અપાયું. અડવાણી ૯૨ વર્ષના છે. તેમને અને કલ્યાણસીંઘને કોરોના મહામારીને લીધે હાજર નહિ રહેવા મનાવી લેવાયા છે.

વિશ્વભરના કરોડો હિન્દુઓની આસ્થા સમા ભવ્યાતિભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ આવતીકાલે બુધવારે તા.૫ ઓગષ્ટ-૨૦૨૦ના સવારે ૧૧.૧૫ થી ૧ વચ્ચે (૧૨.૩૦ કલાકે) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે યોજાયેલ છે. આ આ કાર્યક્રમ કુલ ૪૦ મીનીટનો રહેશે.  ઐતિહાસીક પ્રસંગનું દુરદર્શન લાઇવ ટેલીકાસ્ટ કરશે જે તમામ ચેનલો રીપ્લે કરશે.

(1:03 pm IST)