Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ગેસને GSTમાં સામેલ કરવાની તૈયારી : પેટ્રોલ-ડીઝલ અંગેનો અંતિમ નિર્ણય કાઉન્સિલમાં લેવાશે

ગેસને જીએસટીમાં સામેલ કર્યા વગર છુટકો જ નથી

નવી દિલ્હી,તા.૪ : દેશના પેટ્રોલિયમ મંત્રાલયના સૂત્રો અનુસાર, પેટ્રોલ અને ડીઝલને GSTમાં સામેલ કરવા અંગે રાજયો સાથે થયેલી વાતચીતમાં તેમણે તૈયારી દર્શાવી હતી અનેક રાજયોએ પેટ્રોલ અને ડીઝલને GSTમાંથી બાકાત રાખવા દબાણ કરતાં સરકારે એ મુદ્દાને પાછળ ધકેલી દીધો હતો, પરંતુ ગેસને GST માં  સામેલ કરવા અંગેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. પ્રારંભિક ચર્ચામાં આ મુદ્દે રાજયોએ સકારાત્મક પ્રતિભાવ આપતા સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. કેન્દ્રના પેટ્રોલિયન મંત્રાલયે આ મામલે નાણા મંત્રાલયને એક ચીઠ્ઠી મોકલી હતી.જો કે અંતિમ નિર્ણય તો જીએસટી કાઉન્સિલની બેઠકમાં જ લેવાશે. સરકારનો ઇરાદો તો ચાલુ વર્ષના અંતે સુધી તેની પર અમલ શરૂ કરી દેવાનો છે.

ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં વિરોધ કર્યો હતો, અંતે તમામ રાજયો સંમંત થયા હતા. પેટ્રોલ અને ડીઝલને સામેલ કરવા સામે વાંધો એટલા માટે પણ છે કે લગભગ તમામ રાજયોની તિજોરી ખાલી છે.ઔદ્યોગિક પ્રવૃત્ત્િ।ઓ બંધ હોવાથી રાજયો માટે પેટ્રોલ અને ડીઝલમાંથી મળતી મહેસુલી આવક તેમના માટે આવકનો સૌથી મોટો સ્ત્રોત છે.આ જોતાં જયાં સુધી આર્થિક સ્થિતિમાં સુધાર નહીં આવે ત્યાં સુધી તો પેટ્રોલ-ડીઝલને પણ જીએસટીમાં સામેલ કરાય તેવી શકયતા ઓછી દેખાય છે.

તો બીજી તરફ રાજયોને એમ કહેવામાં આવી રહ્યું છે કે ગેસને જીએસટીમાં સામેલ કર્યા વગર છુટકો જ નથી. એ સિવાય કામ આગળ નહીં ચાલે. એક સમાચાર એ પણ છે કે આખા દેશમાં પાઇર દ્વારા ઘર ઘર ગેસ પહોંચાડવા માટે પાઇપ નાંખવાની તૈયારીઓ પુરજોશમાં ચાલુ છે. ખુબ ઝડપથી આ કામગીરી હાથ ધરાઇ છે. ગેસ પર હાલમાં જે રીતે દરેક રાજયમાં અલગ અલગ રીતે વેટ વસુલવામાં આવે છે તે જોતાં પાઇપલાઇન પર વેટ લાગુ નહીં કરાય. રાજયો પણ આ વાતને સમજી ગયા છે. જો બધું જ સુચારૂ રીતે પાર પડશે તો આખા દેશમાં ગેસનો ભાવ એક સરખો થઇ જશે.

પેટ્રોલિયમ મંત્રાલયના સૂત્ર અનુસાર, આ કામ ગેસ આધારિત અર્થ વ્યવસ્થાને મજબુત કરવા માટે અનિવાર્ય છે.એનાથી અર્થતંત્રને વેગ મળશે.ગેસના ભાવ એક સરખા થઇ જવાના કારણે જે રાજયમાં ગેસનો વપરાશ ઓછો છે ત્યાંથી વધારે વપરાશ વાળા રાજયોમાં ગેસ લઇ જવામાં સરળતા રહેશે.ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધતા પેટ્રોલ અને ડીઝલને પણ જીએસટીમાં સામેલ કરવાની માગ જોર પકડે છે. અનેક રાજયોમાં કુલ મહેસુલી આવકમાં ૬૦ ટકા હિસ્સો આ બે ઉત્પાદનોમાંથી મળે છે.

(12:59 pm IST)