Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

આગામી ૬ અઠવાડિયામાં ભારતમાં કોરોનાના કેસ ૧૦ કરોડ સુધી પહોંચી શકે

ભારતમાં પહેલી સપ્ટેમ્બર સુધી કોરોનાના ૩૫ લાખ કેસ થઈ શકે છે

વોશિંગ્ટન,તા.૪ : હાલમાં થોડા સપ્તાહમાં ભારતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થયો છે. દેશમાં દરરોજ આશરે ૫૦ હજાર નવા સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. ગયા અઠવાડિયે માત્ર ત્રણ દિવસમાં ૧ લાખ લોકો કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યા હતા. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો આવું જ રહ્યું તો ભારત ડેઈલી કેસમાં બ્રાઝિલને પણ પાછળ છોડી દેશે.

 સંક્રમણ ઝડપથી વધી રહ્યું હોવા છતાં કમ્યુનિટી ટ્રાન્સમિશન વિશે વાત કરવામાં સરકારની અનિચ્છા નિષ્ણાતોને મુશ્કેલીમાં મૂકી રહી છે. ગ્લોબલ હેલ્થમાં સંશોધનકર્તા અને પુણેમાં ડોકટર અનંત ભાનના જણાવ્યા પ્રમાણે, કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાતને સ્વીકાર કરવાથી પોલિસી દ્યડનારાઓને અસ્વસ્થ થઈ જાય છે, જયારે સતત પોઝિટિવ કેસ વધી રહ્યા હોય, ત્યારે આવું ન થવું જોઈએ

 ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સે અનુમાન લગાવ્યું છે કે, ભારતમાં પહેલી સપ્ટેમ્બર સુધી કોરોનાના ૩૫ લાખ કેસ થઈ શકે છે. અમેરિકાના એપીડેમિઓલોજિસ્ટ ભ્રમર મુખર્જીએ વેબસાઈટ ધ વાયર સાથે વાતચીતમાં જણાવ્યા પ્રમાણે, સંભવ છે કે ભારતમાં પહેલાથી જ ત્રણ કરોડ પોઝિટિવ કેસ છે અને આગામી છ અઠવાડિયામાં તે વધીને ૧૦ કરોડ સુધી પહોંચી શકે છે.

 તેમના જણાવ્યા મુજબ, એમાં કોઈ શંકા નથી કે ભારતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું. હું એ જાણવા માગું છું કે સાયન્ટિસ્ટ આ વાતને કેવી રીતે સાબિત કરે છે કે કોઈ કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી.

 વેલોરસ્થિતિ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં એપીડેમિઓલોજિસ્ટ જયપ્રકાશ મુલિયિલના જણાવ્યા પ્રમાણે, કેટલાક નેતાઓ ચિંતિત છે કે કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત સ્વીકાર કરવાથી લોકો એવું માનશે કે સરકાર સંક્રમણ રોકવામાં સક્ષમ નથી. તે ઉપરાંત લોકડાઉન દરમિયાન વાઈરસ અટકાવવા માટે કરવામાં આવેલા તમામ ઉપાયો નિષ્ફળ રહ્યા છે. શું સરકાર એ માને છે કે તે તમામ પ્રાઈમરી અને સેકેન્ડરી કોન્ટેકટને ઓળખવામાં અને આઈસોલેટ કરવામાં નિષ્ફળતા રહી છે? બીમારીએ પગ પસેરો કરી દીધો છે.

 અત્યાર સુધી માત્ર કેરળ, પશ્ચિમ બંગાળ અને આસામની સરકારોએ તેમના રાજયોમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત સ્વીકારી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટામાંથી જાણવા મળ્યું છે કે, ૮૬ ટકા કોવિડ ૧૯ સંક્રમણ સમગ્ર દેશના ૨૯માંથી ૧૦ રાજયોમાંથી આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈનના જણાવ્યા અનુસાર, નવા સમુદાયમાં વાઈરસની શરૂઆતને ટ્રેસ અને ઓળખવામાં અસમર્થતાને કમ્યુનિટી ટ્રાન્સમિશન કહેવામાં આવે છે.

ગત સપ્તાહે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને હોસ્પિટલ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરમેન વીરે મોંગાએ કોવિડ-૧૯ કમ્યુનિટી ટ્રાન્સમિશનના કેસની જાહેરાત કર્યા બાદ બોર્ડથી અંતર બનાવી લીધું છે. સિનિયર વાયરોલોજીસ્ટના જણાવ્યા પ્રમાણે, તમે તેને કયા નામથી બોલાવો છો, તેનાથી શું ફરક પડશે? આપણે ફકત આપણી વ્યૂહરચનાને સુધારવાની જરૂર છે અને આપણે તેને કોઈ નિશ્ચિત નામથી બોલાવવાની જરૂર નથી.

તે ઉપરાંત હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડિરેકટર જનરલ બલરામ ભાર્ગવે પણ કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાતને નકારી છે. તેમના જણાવ્યા પ્રમાણે, ભારત કમ્યુનિટી ટ્રાન્સમિશનમાં નથી. આ જ ટર્મ છે જેનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રેકિંગ અને કવોરન્ટાઈનની વ્યૂહરચના ચાલુ રાખવી પડશે અને અત્યાર સુધી સફળ રહેલા કન્ટેન્મેન્ટ ઝોન જાળવી રાખવા પડશે.

(12:59 pm IST)