Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કોર્ટના તિરસ્કારની નોટિસના જવાબમાં પ્રશાંત ભૂષણ કહે છે

'સુપ્રીમ કોર્ટ એટલે ચીફ જસ્ટિસ એવો અર્થ નથી થતો'

બે પાનાંની નોટિસના જવાબમાં ૧૪૨ પૃષ્ઠનો ખુલાસો કર્યો

નવી દિલ્હી,તા. ૪ : પ્રખર ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાને મળેલી કોર્ટના તિરસ્કારની નોટિસના સેામવારે આપેલા જવાબમાં કહ્યું હતું કે અભિપ્રાયનો અર્થ કોર્ટનો તિરસ્કાર નથી પછી ભલે અમુક વ્યકિતઓ આવા અભિપ્રાય સાથે સહમત ન હોય. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ એટલે ચીફ જસ્ટિસ નહીં. સુપ્રીમ કોર્ટ એક સંસ્થા છે. ચીફ જસ્ટિસે આપેલા કોઇ ચુકાદા અંગે અભિપ્રાય વ્યકત કરવો એનો અર્થ સુપ્રીમ કોર્ટની અવગણના કે ઉપેક્ષા કરી એેવો થતો નથી.

સુપ્રીમ કોર્ટે આપેલી બે પાનાંની નોટિસનો ભૂષણે એકસો બેતાલીસ પાનામાં જવાબ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ૨૨મી જુલાઇએ ભૂષણને કોર્ટના તિરસ્કારની નોટિસ આપી હતી. ભૂષણે ટ્વીટર પર સુપ્રીમ કોર્ટના બે ચુકાદા વિશે ટીકા-ટીપ્પણ કરી હતી. તમે કરેલા કોર્ટના તિરસ્કાર બદલ તમારી સામે ક્રીમીનલ કેસ કેમ ન કરવો એનો જવાબ પાંચમી ઓગષ્ટ પહેલાં આપો એવી નોટિસ ભૂષણને આપવામાં આવી હતી. પોતાના જવાબમાં ભૂષણે અગાઉના સુપ્રીમ કોર્ટના જજો દ્વારા જાહેરમાં કરાયેલાં વિધાનો, લોકશાહીમાં અસંતોષને રોકવાના થતા પ્રયાસો વગેરે બાબતોને આવરી લઇને કામિની જયસ્વાલના માધ્યમથી પોતાનો જવાબ આપ્યો હતો. પોતે આ બે ટ્વીટ્સ દ્વારા કશું ખોટું કર્યું નથી એવું જણાવી ભૂષણે એ બંને ટ્વીટ્સને યથાવત્ રાખ્યા હતા. સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય વ્યકત કર્યો હતો કે તમારી આ બંને ટ્વીટ્સ સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠા જોખમાવે એવી હતી અને તમે સુપ્રીમ કોર્ટની અવગણના કરી હતી જે ખરેખર તો કોર્ટનો તિરસ્કાર સમાન હતી.

છેલ્લા થોડા સમયથી પ્રશાંત ભૂષણ સતત સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદા અંગે સોશ્યલ મિડિયા પર ટીકા-ટીપ્પણ કરતા રહ્યા હતા. તેમનો અભિપ્રાય એવો હતો કે આ લોકશાહી છે અને કોર્ટના ચુકાદા અંગે કોઇ પણ વ્યકિતને એનો અભિપ્રાય આપવાનો મૂળભૂત અધિકાર છે.

અત્રે એ નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂકેલા જસ્ટિસ માર્કંડેય કાત્જુએ તો જાહેરમાં એક કરતાં વધુ વખત એવો અભિપ્રાય વ્યકત કર્યો હતો કે દુનિયાભરના દેશોએ કોર્ટના તિરસ્કારની જોગવાઇ રદ કરી હતી. ભારતે પણ આ જોગવાઇ રદ કરવાનો સમય કયારનો આવી ચૂકયો હતો.

(12:58 pm IST)