Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

માર્ગો-બજાર સીલ

શ્રીનગરમાં હિંસાની આશંકાને પગલે આજથી બે દિવસ કફર્યુ લાદી દેવાયો

શ્રીનગર,તા.૪ : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કર્યાને એક વર્ષ પુરૂ થઈ રહ્યું છે તેના પર અલગતાવાદીઓએ બ્લેક ડે મનાવવાની ધમકી આપી છે. જેને ધ્યાનમાં રાખીને સ્થાનિક સત્તા દ્વારા ૪ અને ૫ ઓગસ્ટના રોજ શ્રીનગરમાં કર્ફ્યૂની જાહેરાત કરી છે. નિયમનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત શ્રીનગરના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મેજિસ્ટ્રેટ ફાળવવામાં આવ્યા છે જેઓ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખશે. ૫ ઓગસ્ટના રોજ અયોધ્યમાં રામ મંદિરનું ભૂમિ પૂજન સમારોહ પણ થવા જઈ રહ્યો છે. આ દ્યટના અંગે આતંકી હુમલાનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. કલમ ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે કેન્દ્ર શાસિત રાજય બનાવવામાં આવ્યા હતા.

ગત પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવામાં આવી હતી, ત્યાર બાદ સ્થિતિ ખરાબ થવાનો ડર હતો. એવામાં અનેક અલગતાવાદી નેતાઓને દ્યરમાં નજરબંધ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ દ્યણા નેતાઓને છોડી મૂકવામાં આવ્યા છે. હાલમાં જ થોડા દિવસ પહેલા જ પૂર્વ સીએમ મહબૂબા મુફ્તી સામે કાર્યવાહી કરવામાં આવી કેમ કે એજન્સીઓના માધ્યમથી એવા ઈનપુટ મળી રહ્યા છે કે કાશ્મીરમાં વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સોમવારે શ્રીનગરના SSP તરફથી ડીસીને એક પત્ર લખવામાં આવ્યો. જેમાં કહેવામાં આવ્યું કે જે પ્રકારની માહિતી મળી રહી છે, તે મુજબ પાંચ ઓગસ્ટના રોજ બ્લેક ડે ઉજવવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. અનેક અલગતાવાદી નેતાઓ અને પાકિસ્તાનના એજન્ડા પર કામ કરતા લોકો તરફથી બ્લેક ડેની ઉજવણી દરમિયાન વાતાવરણ ખરાબ થઈ શકે છે. ત્યાર બાદ ડીસી શાહિદ ઈકબાલ ચૌધરીએ ૪ અને ૫ ઓગસ્ટના રોજ શ્રીનગરમાં કર્ફ્યૂ લગાવવાનો આદેશ આપ્યો.

 આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણને કારણે પહેલા જ અનેક પ્રકારના આદેશ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી એક જગ્યા પર વધારે લોકો એકઠા નહીં થઈ શકે. શ્રીનગરમાં લગાવવામાં આવેલા બે દિવસના કર્ફ્યૂ દરમિયાન ઈમરજન્સી ડ્યૂટી પરના કર્મચારીઓને રાહત આપવામાં આવી છે. એટલે કે તેઓ પોતાનું આઈ કાર્ડ દેખાડીને કાર્યસ્થળ પર જઈ શકે છે.

(11:48 am IST)