Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

જન ધન ખાતાઓની સંખ્યા ૪૦ કરોડને વટાવી ગઈ : થાપણોની રકમ ૧.૩૦ લાખ કરોડ

આ યોજના ૨૮ ઓગસ્ટ ૨૦૧૪નાં રોજ શરૂ કરવામાં આવી હતી. યોજનાનો ઉદ્દેશ દેશના તમામ લોકોને બેંકની સુવિધાઓ સાથે જોડવાનો છે

નવી દિલ્હી,તા.૪ : મોદી સરકારનાં આર્થિક સમાવેશ કાર્યક્રમ, વડા પ્રધાન જન ધન યોજના (પીએમજેડીવાય) હેઠળ ૪૦ કરોડથી વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. આ યોજના છ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. નવીનતમ માહિતી અનુસાર, અત્યાર સુધીમાં ૪૦.૦૫ કરોડ લોકોના જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે અને આ ખાતાઓમાં જમા થયેલ રકમ ૧.૩૦ લાખ કરોડથી પણ વધી ગઈ છે.

 નાણાં મંત્રાલય અંતર્ગત નાણાકીય સેવાઓ વિભાગ (ડીએફએસ) એ એક ટ્વિટમાં જણાવ્યું છે કે, પીએમજેડીવાય હેઠળ વિશ્વનો સૌથી મોટો આર્થિક સમાવિષ્ટ પ્રોગ્રામે અન્ય એક મહત્ત્વપૂર્ણ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. આ યોજના હેઠળ ખોલવામાં આવેલા કુલ ખાતાઓની સંખ્યા ૪૦ કરોડને વટાવી ગઈ છે. આર્થિક સમાવેશના આ કાર્યક્રમને તેના અંતિમ તબક્કામાં લઈ જવા પ્રતિબદ્ઘ છે. જન ધન ખાતામાં આ સફળતા યોજનાની છઠ્ઠી વર્ષગાંઠના દિવસો પહેલા મળી છે. આ યોજના ૨૮ ઓગસ્ટ ૨૦૧૪નાં રોજ શરૂ કરવામાં આવી હતી. યોજનાનો ઉદ્દેશ દેશના તમામ લોકોને બેંકની સુવિધાઓ સાથે જોડવાનો છે. પીએમજેડીવાય અંતર્ગત ખોલવામાં આવનાર જન ધન એકાઉન્ટ્સ મૂળભૂત બચત બેંક ખાતા છે. આની સાથે રૂપી કાર્ડ અને ખાતા ધારકોને ઓવરડ્રાફટ આપવાની વધારાની સુવિધા આપવામાં આવે છે. આ ખાતામાં ખાતાધારકે ખાતામાં ઓછામાં ઓછી રકમ જાળવવાની જરૂરી હોતી નથી. યોજનાની સફળતા માટે સરકારે ૨૮ જાન્યુઆરી ૨૦૧૮ પછી જે જન ધન ખાતા ખોલવા સાથે અકસ્માત વીમાની રકમ વધારીને ૨ લાખ કરી દીધી હતી, જે અગાઉ રૂ .૧ લાખ રાખવામાં આવી હતી. આ સાથે ખાતામાં ઓવરડ્રાફટ સુવિધાની મર્યાદા પણ ૧૦,૦૦૦ રૂપિયા કરી દેવામાં આવી છે. યોજના અંતર્ગત, સરકારે દરેક ઘરમાંથી બેંક ખાતું ખોલવાને બદલે હવે દરેક વયસ્કનું બેંક ખાતું રાખવાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

જનધન ખાતાનાં ૫૦ ટકાથી વધુ મહિલાઓ છે અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કોવિડ-૧૯ સંકટમાં ગરીબોની સહાય માટે સરકારે ત્રણ સમાન માસિક હપ્તામાં રૂ. ૧,૫૦૦ જમા કરાવ્યા છે. સરકારે ૨૬ માર્ચ, ૨૦૨૦ના રોજ જન ધન ખાતાધારકોના ખાતાને એપ્રિલથી ત્રણ મહિના માટે દર મહિને ૫૦૦ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.

(11:42 am IST)