Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

શ્રીરામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં ૧૭૫ અતિથિઓને આમંત્રણ : નેપાળથી પણ સંત આવશે

અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે કહ્યું કે અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ માટે થનારા ભૂમિપૂજન કાર્યક્રમ માટે ૧૭૫ પ્રતિષ્ઠિત અતિથિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે

અયોધ્યા,તા.૪ : ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે નિમંત્રણ સૂચિ ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી ઉપરાંત વરિષ્ઠ વકીલ કે.પરાસરન તથા અન્ય ગણમાન્ય વ્યકિતઓ સાથે 'ખાનગી રીતે ચર્ચા' કર્યા બાદ તૈયાર કરાઈ છે.

તેમણે જણાવ્યું કે મુખ્ય સમારોહ માટે આમંત્રિત કરાયેલા ૧૭૫ પ્રતિષ્ઠિત અતિથિઓમાંથી ૧૩૫ સંત છે જે વિભિન્ન આધ્યાત્મિક પરંપરાઓ સાથે જોડાયેલા છે અને તે તમામ ઉપસ્થિત રહેશે. આ સિવાય શહેરના કેટલાક ગણમાન્ય વ્યકિતઓને પણ આમંત્રિત કરાયા છે.

ચંપત રાયે કહ્યું કે વિહિપના દિવંગત નેતા અશોક સિંદ્યલના ભત્રીજા સલિલ સિંઘલ કાર્યક્રમમાં યજમાન રહેશે. આ સાથે જ નેપાળના સંતોને પણ આમંત્રિત કરાયા છે કારણ કે જનકપુરનો બિહાર, ઉત્ત્।ર પ્રદેશ અને અયોધ્યા સાથે પણ સંબંધ છે.

તેમણે કહ્યું કે રાજય સરકાર એક ટપાલ ટિકિટ પણ બહાર પાડશે જે મંદિરની ડિઝાઈન પર આધારિત છે. ચંપત રાયના જણાવ્યાં મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરિસરમાં 'પારિજાત'નો છોડ પણ રોપશે.

(11:37 am IST)