Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

અન્નપૂર્ણા યોજનાનું નવુ સ્વરૂપ

ગેહલોતનો ધમાકો : આપશે ૮ રૂપિયામાં થાળી

ઇન્દીરા રસોઇ યોજના ૨૦મીથી શરૂ : વર્ષે ૧૦૦ કરોડ ખર્ચાશે

જયપુર,તા.૪ : રાજસ્થાનમાં એક તરફ રાજકારણ ગરમાયું છે ત્યારે સીએમ અશોક ગેહલોતની સરકારે એક નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું છે. ૨૦ ઓગસ્ટે રાજીવ ગાંધી જયંતિના દિવસે એક ખાસ યોજના ઈંદિરા રસોઈના નામે શરૂ કરાશે. તેની જવાબદારી ખાસ વિભાગને આપવામાં આવી છે. તેમાં સ્થાનિક એનજીઓની મદદથી સ્થાઈ રસોઈ દ્વારા ગરમાગરમ ખાવાનું પીરસવામાં આવશે. ઈન્દિરા રસોઈને માટે વાર્ષિક ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરાશે. સીએમના આદેશ છે કે ૨૦ ઓગસ્ટથી આ યોજના શરૂ કરવામાં આવે.

 રાજયના તમામ ૨૧૩ શહેરોમાં એકસાથે ઈન્દિરા રસોઈ યોજનાની શરૂઆત કરવામાં આવશે. ૨૦ ઓગસ્ટે આ યોજના શરૂ થશે. તેમાં રસોઈના સ્થાન, એનજીઓની પસંદગી, રસોઈની સ્થાપના, સંચાલનથી લઈને તમામ જવાબદારી જિલ્લા કલેકટરની રહેશે. તેમને જ નોડલ ઓફિસર પણ બનાવાયા છે. કલેકટર જિલ્લાની રસોઈ સંચાલનની વ્યવસ્થાને સંભાળશે. સરકાર દ્વારા આ આદેશ તમામ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યા છે. રાજસ્થાનના ૨૧૩ શહેરોમાં કુલ ૩૫૮ સ્થાઈ રસોઈ બનાવવામાં આવશે. 

સરકારની ઈન્દિરા ગાંધી રસોઈ યોજનાનું મેનૂ રોજ બદલાશે. તેમાં સરકારના નિર્દેશ અનુસાર દરેક થાળીમાં ૧૦૦ ગ્રામ દાળ, ૧૦૦ ગ્રામ શાક, ૨૫૦ ગ્રામ રોટલી અને અથાણું પીરસાશે, જિલ્લા કલેકટરની મંજૂરી બાદ રસોઈ ચલાવનારા એનજીઓ મેનૂ, રસોઈનો સમય વગેરેમાં ફેરફાર કરી શકશે.

સરકારની અન્નપૂર્ણા યોજનાનું આ નવું રૂપ છે. અહીં વેનની મદદથી ખાવાનું પહોંચાડવામાં આવશે. જે કાર્યમાં સરકારને અનેક વાર અનિયમિતતાની ફરિયાદ મળી છે ત્યાર બાદ સરકારે સ્થાયી રસોઈની મદદથી જરૂરિયાતવાળા લોકોની સેવા માટે ઈન્દિરા રસોઈ યોજનાની શરૂઆત કરવાનું નક્કી કર્યુ છે.

(10:31 am IST)