Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

૧૦ કલાકમાં ૧૦ ઇંચ : મુંબઇ પાણી - પાણી

માયાવી નગરીમાં ગઇરાતથી દે ધનાધન વરસાદ : શહેરના મોટાભાગના વિસ્તારોમાં કેડ સુધીના પાણી : ટ્રેન વ્યવહારને અસર : દુકાનો - ઓફિસો બંધ : લોકોને ઘરમાં રહેવા સલાહ : હજુ ભારે વરસાદની ચેતવણી

મુંબઇ તા. ૪ : મુંબઇમાં ગઇરાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીપાણી થઇ ગયા છે. લોઅર, પરેલ, દાદર, હિંદમાતા, કિંગ્સ સર્કલ, સાયન, ચેમ્બુર, અંધેરી, શાંતાક્રુઝ અને અનેક વિસ્તારોમાં માર્ગો પાણી પાણી થઇ ગયા છે. હવામાન ખાતાએ આજે બપોરે હાઇટાઇડની ચેતવણી છે. દરિયામાં ૫ મીટર ઉંચા મોજા ઉછળે તેવી શકયતા છે. શહેરમાં ૧૦ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. મુંબઇના બીજા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. લોકોને કમર સુધીના પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે.

ગઇરાતથી વરસાદ વરસી રહ્યો છે. ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. કોલાવામાં રાત્રે ૧ સુધીમાં ૩ ઇંચ તો ઉપનગરના શાંતાક્રુઝમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે.

સતત પડી રહેલા વરસાદને કારણે હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કરેલ છે અને હજુ ૨૪ કલાક ભારે વરસાદની ચેતવણી આપી છે.

વરસાદને કારણે કુર્લા અને સીએસએમટી વચ્ચે વેસ્ટર્ન અને હાર્બર લાઇન બંધ છે. સેન્ટ્રલ લાઇન ધીમી ગતિએ ચાલે છે.

તંત્રએ આજે લોકોને ઘરમાં જ રહેવા સલાહ આપી છે. આજે શહેરની તમામ દુકાનો અને ખાનગી ઓફિસો બંધ રહી છે.

ભારે વરસાદને કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. બસ સેવાને પણ માઠી અસર પડી છે.

(10:00 am IST)