Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

પંજાબમાં નકલી દારુ પીવાની ઘટનાનો મૃતાંક ૧૧૨ થયો

બુધવારે રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી : પરિવારજનો દ્વારા ઓટોપ્સી રિપોર્ટમાં વિલંબ થઈ રહ્યાના આરોપો લગાવાઇ રહ્યા છે : તપાસની માગણી

ચંદીગઢ, તા. પંજાબમાં નકલી દારુ પીવાની દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને ૧૧૨ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર તરનતારણમાં ૨૫ વધુ મોત અને અમૃતસરમાં વધુ એક મોત સાથે કુલ આંકડો ૧૧૨ થઈ ગયો છે. રાજ્યમાં બુધવારે રાત્રે સર્જાયેલી દુર્ઘટનામાં હમણાં સુધી ૮૮ લોકોના મોત થયા છે, અહીંયા લોકોની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યારે બે પીડિતોને સારવાર અર્થે અમૃતસરની ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ઝેરીલી દારુ પીવાથી બિમાર થયેલા લોકોનું કહેવું છે કે જ્યારથી તેમણે દારુ પીધો છે,ત્યારથી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તરનતારણના ડેપ્યુટી પોલીસ કમિશનર કુલવંતસિંહે ફોન પર કહ્યું કે ત્યાં ક્ષેત્રથી મળેલી જાણકારીના આધાર પર વહીવટી તંત્રે મૃતકોનો આંકડો ૭૫ ગણાવ્યો છે,કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં મૃતકોના અંતિમ સંસ્કાર તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે.

         પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે લોકોને વિનંતી કરી રહ્યા છીએ કે પોતાના પરિવારના સભ્યોના મોતની રિપોર્ટ કરાવે. તરનતારણ જિલ્લા હોસ્પિટલના વરિષ્ઠ મેડિકલ અધિકારી ડો.રોહિત મેહતાએ કહ્યું કે, અમારી ટીમ ઓટોપ્સીનું કામ પૂર્ણ કરવા માટે ઓવરટાઈમ કરી રહી છે. ગઈકાલે અમારી ટીમ રાત્રે આઠ કલાક સુધી કામ કર્યું હતું અને ૧૩ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. અમે હમણાં સુધી ૧૦ ઓટોપ્સી કરી ચૂક્યા છીએ. જોકે, ઓટોપ્સી રિપોર્ટમાં વિલંબ થઈ રહ્યાના આરોપ લાગી રહ્યા છે.

         એ પણ નોંધવું રહ્યું કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મામલો સામે આવ્યા બાદ પોલીસ કર્મીઓની સાથે-સાથે નશાબંધી વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં બે ડીવાયએસપી અને ચાર પોલીસ ઈન્સ્પેક્ટર સામેલ છે. દરમિયાન પોલીસે રાજ્યમાં ૧૦૦થી વધુ સ્થળો પર દરોડા પાડીને હમણાં સુધી ૨૫ લોકોની ધરપકડ કરી લીધી છે.

(12:00 am IST)