Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

નેપાળની ડાંડાઈઃ ઉત્તરાખંડના હિસ્સા પર પણ હક ગણાવ્યો

ભારત સાથેનો નેપાળનો ખેલ જારી : નેપાળીઓનો ટનકપુર સરહદે પિલર નં. ૮૧૧ પર કબજો

નવી દિલ્હી, તા. નેપાળે ફરી એકવાર ભારતની સાથે ખિલવાડ કરવાનું શરૂ કર્યું છે. નેપાળના દાવા પ્રમાણે ઉત્તરાખંડ રાજ્યના કુમાઉં વિસ્તારમાં આવેલો ચંપાવત જિલ્લો તેની સરહદમાં આવે છે. નેપાળના કંચનપુર જિલ્લાની ભીમદત્ત નગર પાલિકાના મેયર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે વરસોથી ચંપાવત જિલ્લો નેપાળનો હિસ્સો રહેલો છે કારણ કે તેના જંગલો માટે બનાવવામાં આવેલી કોમ્યુનિટી ફોરેસ્ટ કમિટી તેમના નગરપાલિકા ક્ષેત્રમાં આવે છે. થોડા દિવસો પહેલાં ચંપાવત જિલ્લાના ટનકપુર ખાતે સરહદ વિવાદ થયો હતો.

           તે સમયે નેપાળી નાગરિકોએ પિલર નંબર ૮૧૧ ઉપર પોતાનો કબજો જમાવ્યો હતો. તેમણે કરેલા દાવા પ્રમાણે તે પિલર 'નો મેન્સ લેન્ડ'માં આવે છે. ત્યાર બાદ જ્યારે ભારતીય સુરક્ષા કર્મચારીઓએ તેમને ટોકીને નેપાળી અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરી તો નેપાળી અધિકારીઓએ ઘટના સ્થળે જઈને ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. હવે જગ્યાને લઈ આગામી કેટલાક સપ્તાહમાં ભારતીય અને નેપાળી અધિકારીઓ વચ્ચે બેઠક યોજાશે.

           અહેવાલ પ્રમાણે નેપાળના કંચનપુર જિલ્લાની ભીમદત્ત નગર પાલિકાના મેયર સુરેન્દ્ર બિષ્ટના કહ્યા મુજબ ઉત્તરાખંડના કુમાઉં વિસ્તાર અંતર્ગત આવતા ચંપાવત જિલ્લાના જંગલોનો કેટલોક હિસ્સો તેમની નગરપાલિકામાં આવે છે. સુરેન્દ્ર બિષ્ટે કરેલા દાવા પ્રમાણે ચંપાવતના જંગલોમાં બનાવવામાં આવેલી સામુદાયિક વન સમિતિ અનેક વરસોથી ભીમદત્ત નગરપાલિકા અંતર્ગતકામ કરે છે. નગરપાલિકાએ અનેક વર્ષો પહેલા તે વિસ્તારમાં લાકડાઓ વડે વાડ પણ બનાવી હતી જે જૂની થઈ ગયેલી માટે તાજેતરમાં બદલવામાં આવી હતી.

ચંપાવત જિલ્લાના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે લાકડાની વાડ બનાવવા માટે આશરે ૪૫ લાખ રૂપિયાનો ખર્ચો કરાયો હતો. મેયર સુરેન્દ્ર બિષ્ટને દાવાનો આધાર પુછવામાં આવતા તેમણે જે વિસ્તારમાં વાડ કરવામાં આવી તે 'નો મેન્સ લેન્ડ' છે તેવો જવાબ આપ્યો હતો. બિષ્ટે વધુમાં જણાવ્યું કે, સ્થિતિ એકદમ સ્પષ્ટ છે અને તેઓ નથી ઈચ્છતા કે સરહદને લઈ વિવાદ થાય કારણ કે તે કોઈ માટે સારો નથી. પરંતુ તેઓ એવું ઈચ્છે છે કે કેસનો જલ્દી ઉકેલ આવે.

(12:00 am IST)